ચીનના કિયાઓ નામના વ્યક્તિએ જૂના સિમ કાર્ડમાંથી 191 ગ્રામ સોનું કાઢીને સૌને ચોંકાવી દીધા છે. ગ્વાંગડોંગ પ્રાંતના હુઈઝોઉમાં રહેતા કિયાઓએ કેમિકલ પ્રક્રિયા દ્વારા 2 ટન ઈ-કચરામાંથી (e-waste) આ સોનું મેળવ્યું છે, જેની કિંમત લગભગ 26 લાખ રૂપિયા છે. જોકે, તેમણે ચેતવણી આપી છે કે આ પ્રક્રિયા સામાન્ય લોકો માટે જોખમી હોઈ શકે છે.
સામાન્ય રીતે સિમ કાર્ડ જૂનું કે ખરાબ થઈ જાય ત્યારે લોકો તેને ફેંકીને નવું સિમ લઈ લે છે. પરંતુ, ચીનના એક વ્યક્તિએ અજીબોગરીબ કારનામું કરીને બધાને હેરાન કરી દીધા છે. તેણે જૂના સિમ કાર્ડ્સમાંથી સોનું બનાવ્યું છે.
જૂના સિમ કાર્ડમાંથી સોનું બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જૂના સિમ કાર્ડ્સ ખરીદવા માટે ઓનલાઈન હોડ જામી છે. જોકે, ચીની વ્યક્તિએ આ અંગે લોકોને સાવધાન કર્યા છે કે સામાન્ય લોકો માટે આ પ્રક્રિયા હાનિકારક સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ચીનના આ વ્યક્તિની ઓળખ કિયાઓ તરીકે થઈ છે, જે ગ્વાંગડોંગ પ્રાંતના હુઈઝોઉ શહેરમાં રહે છે. 20 જાન્યુઆરી 2026ના રોજ કિયાઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે સિમમાંથી સોનું કાઢતા જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે.
191 ગ્રામ સોનું કાઢ્યું
આ વીડિયોમાં કિયાઓ જૂના સિમ કાર્ડને કેમિકલથી ભરેલા ડ્રમમાં નાખે છે. કેમિકલના પાણીમાં ધોવાથી લઈને તેને સળગાવવા સહિતની અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ કિયાઓ 191.73 ગ્રામ સોનું કાઢવામાં સફળ રહ્યો છે. આ સોનાની કિંમત લગભગ 2,00,000 યુઆન (26,59,248 રૂપિયા) થશે.
કેવી રીતે નીકળ્યું સોનું?
ચીની સમાચાર ચેનલ સાથે વાતચીત દરમિયાન કિયાઓએ જણાવ્યું કે લગભગ 2 ટન ઈ-વેસ્ટમાંથી તેણે આટલું સોનું કાઢ્યું છે. તેમાં સિમ કાર્ડ ઉપરાંત કેટલીક ખરાબ ચિપ્સ પણ સામેલ હતી. કિયાઓના જણાવ્યા મુજબ, સિમ કાર્ડના અમુક ભાગ પર સોનાનું પડ ચડાવવામાં આવે છે, જેથી તે લાંબા સમય સુધી ખરાબ ન થાય.
કેમ આપી ચેતવણી?
મેઈનલેન્ડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમ કાર્ડમાં 0.001 ગ્રામ સુધી સોનું હોય છે. આ ઉપરાંત બેંક કાર્ડમાં લાગેલી ચિપ સહિત અનેક ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે.
કિયાઓના જણાવ્યા મુજબ, ચિપ અને સિમ કાર્ડમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. સામાન્ય લોકો માટે આ નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી માત્ર પ્રોફેશનલ્સ અને જાણકાર લોકો જ તેને ફોલો કરી શકે છે. આ માત્ર હાનિકારક જ નહીં, પરંતુ ઘણા કિસ્સાઓમાં ગેરકાયદેસર પણ છે.
