મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી છે. આ છૂટથી સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલના ટેન્કરોને મોટી રાહત મળશે.

મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં તેલ સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતને લઈને અમેરિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપી દીધી છે.
વાસ્તવમાં, જે અમેરિકા ભારત પર રશિયન તેલની આયાત ઘટાડવા દબાણ કરી રહ્યું હતું, તે જ અમેરિકન ટ્રેઝરી વિભાગે હવે ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આનાથી સમુદ્રમાં અટવાયેલા તે રશિયન ટેન્કરો (તેલ જહાજો) ને રાહત મળશે, જેમના ખરીદદારો મળી રહ્યા ન હતા.

સમુદ્રમાં કેમ ઉભા હતા ટેન્કરો?
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, રશિયાના તેલ ટેન્કરો સમુદ્રમાં એટલા માટે ઉભા હતા કારણ કે નવા અમેરિકન પ્રતિબંધો અને ચુકવણી તેમજ વીમાની અનિશ્ચિતતાને કારણે તેમનું તેલ તરત જ ઉતારવામાં આવી રહ્યું ન હતું. અમેરિકા તરફથી રશિયન તેલ ટેન્કરો પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેના કારણે અનેક જહાજોના વીમા, ચુકવણી અને પોર્ટ એન્ટ્રી પર સવાલો ઉભા થયા હતા.
આ દરમિયાન ભારતીય તેલ રિફાઇનર્સ પણ રાહ જોવા લાગ્યા કે ક્યાંક રશિયા પાસેથી તેલ ખરીદવું નિયમોની વિરુદ્ધ ન થઈ જાય. તેથી જહાજોને સમુદ્રમાં જ રોકી દેવામાં આવ્યા હતા. હવે અમેરિકા દ્વારા મળેલી છૂટ બાદ આ તેલ ટેન્કરોને ખરીદદારો મળવાની પૂરી શક્યતા બની ગઈ છે.
અમેરિકાએ શું કહ્યું?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારોને સ્થિર કરવાના પ્રયાસ રૂપે અમેરિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી બેસેન્ટે ભારતને સંયુક્ત રાજ્ય અમેરિકાના આવશ્યક ભાગીદાર ગણાવતા X (ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું:
“રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉર્જા એજન્ડાના પરિણામે તેલ અને ગેસનું ઉત્પાદન અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં તેલનો પ્રવાહ ચાલુ રાખવા માટે, નાણા વિભાગ ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી રહ્યું છે.”
30 દિવસની કામચલાઉ છૂટ આ જાણીજોઈને લેવામાં આવેલું ટૂંકા ગાળાનું પગલું રશિયન સરકારને કોઈ મોટો નાણાકીય લાભ નહીં આપે કારણ કે તે માત્ર સમુદ્રમાં ફસાયેલા તેલ સંબંધિત વ્યવહારોને જ મંજૂરી આપે છે. ભારત અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે અને અમને પૂરી આશા છે કે નવી દિલ્હી અમેરિકન તેલની ખરીદી વધારશે. આ વચગાળાનો ઉપાય ઈરાન દ્વારા વૈશ્વિક ઉર્જાને બંધક બનાવવાના પ્રયાસથી ઉભા થયેલા દબાણને ઓછું કરશે.
