સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી નામની બે કોલેજીયન ફ્રેન્ડના કથિત રીતે સ્વામિનારાયણ મંદિર પરિસરના બાથરૂમમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળેથી એનેસ્થેસિયાની બોટલો અને સિરીંજ પણ જપ્ત કરી હતી.

ગુજરાતના સુરતમાં બે વિદ્યાર્થીનીઓના સામૂહિક આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે બંને વિદ્યાર્થીનીઓનું તાજેતરમાં જ પોતપોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું. જાણવા મળી રહ્યું છે કે બંનેના બ્રેકઅપ લગભગ ૧૫ દિવસના અંતરાલમાં થયા હતા, જેના કારણે બંને ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડી હતી. પોલીસે જ્યારે બંને વિદ્યાર્થીનીઓના મોબાઈલ ફોનની તપાસ કરી ત્યારે તેમાં કેટલીક મહત્વની ચેટ્સ સામે આવી હતી. આ ચેટ્સ પરથી સંકેત મળ્યા છે કે પ્રેમ સંબંધ તૂટ્યા બાદ તેઓ ઘણી પરેશાન હતી.
તપાસમાં બ્લેકમેલ કે દબાણની વાત સામે આવી નથી
પોલીસે આ મામલે સંબંધીઓ, મિત્રો અને બંને યુવકોની પણ પૂછપરછ કરી છે, જેનાથી પુષ્ટિ થઈ છે કે તાજેતરમાં જ તેમના સંબંધોનો અંત આવ્યો હતો. હાલની તપાસમાં કોઈપણ પ્રકારના બ્લેકમેલિંગ કે દબાણનો મામલો સામે આવ્યો નથી.

માહિતી મુજબ, 6 માર્ચ 2026ના રોજ સુરતના સણિયા કણદે વિસ્તારમાં આવેલ નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બંને વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી ઇન્જેક્શન, સિરીંજ અને એનેસ્થેસિયાની દવાઓની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે બંનેએ એનેસ્થેસિયાના ઓવરડોઝ ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી.
બંને બી.કોમ. પ્રથમ અને દ્વિતીય વર્ષની વિદ્યાર્થીનીઓ હતી
મૃતક વિદ્યાર્થીનીઓમાં ૧૮ વર્ષીય રોશની શરદભાઈ શિરસાઠનો સમાવેશ થાય છે, જે મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની વતની હતી અને સુરતના ડિંડોલી વિસ્તારના રામી પાર્કમાં રહેતી હતી. તે ઉધના સ્થિત સિટીઝન કોલેજમાં બી.કોમ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. જ્યારે તેની ૨૦ વર્ષીય સખી જ્યોત્સના અતુલભાઈ ચૌધરી, જે ડિંડોલીના શિવ વાટિકા વિસ્તારમાં રહેતી હતી, તે અઠવાગેટ સ્થિત વાડિયા વિમેન્સ કોલેજમાં બી.કોમ. બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા બંનેના મૃતદેહ
ઘટનાના દિવસે સવારે રોશની સ્કૂટર લઈને જ્યોત્સના સાથે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. બપોરે જ્યારે બંને ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેમને ફોન કર્યો હતો. તે સમયે બંનેએ જલ્દી ઘરે આવવાની વાત કરી હતી પરંતુ ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. શોધખોળ બાદ સાંજે મંદિર પરિસરના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
સામાન્ય ઝઘડા બાદ યુવકોએ તોડ્યા હતા સંબંધ
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બે યુવકોમાંથી એક મિશો (Meesho) કંપનીમાં કામ કરે છે જ્યારે બીજો ડીજે ઇવેન્ટ સાથે જોડાયેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય તકરાર બાદ બંને યુવકોએ સંબંધો તોડી નાખ્યા હતા. હાલ પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે વિદ્યાર્થીનીઓને એનેસ્થેસિયાની દવા અને સિરીંજ ક્યાંથી મળી. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે પોલીસ આગળની તપાસમાં જોતરાઈ છે.
