Gujarat : હિંમતનગરના ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં સોમવાર રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીના બહારના ભાગમાં મોટી માત્રામાં કાચો માલ અને પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે તરતજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બીજી તરફ, હિંમતનગર ફાયર વિભાગની બે ટીમો – એક મિની અને એક બ્રાઉઝર સાથે તાત્કાલિક ગોઠવાઈ અને રાત્રે જ આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી.
ફાયર ફાઈટર્સે મંગળવારની સવાર સુધી સતત ચાર કલાકથી વધુ સમય સુધી કામગીરી કરીને અંદાજે 30,000 લિટરથી વધુ પાણીનો મારો ચલાવતાં આગને નિયંત્રણમાં લેવામાં આવી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન આપવામાં આવ્યું છે.
આગ બુઝાવ્યા બાદ કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ફરીથી આગ ભભૂકી ન ઊઠે તે માટે વધુ એક બ્રાઉઝર બોલાવવામાં આવ્યો હતો. હાલ પણ ફાયર ફાઈટર્સ સતત પાણીનો મારો ચલાવી પરિસ્થિતિને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવાની કામગીરી કરી રહ્યા છે.

ફેક્ટરીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને હાઇ ફ્લેમેબલ સામગ્રી હોવાના કારણે આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. જોકે, હજુ સુધી સત્તાવાર નુકસાનીનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
