૨૫૦ કરોડના વનીકરણ પ્રોજેક્ટ સામે ગંભીર સવાલો! પવિત્ર ગિરિરાજ પર ભારે યંત્રોથી રસ્તા બનાવવાના આક્ષેપો, આર્થિક હિતોની આશંકા અને જૈન સમાજની આસ્થાને ઠેસ! પહેલાં રસ્તાઓ બંધ કરો, પછી માફી માગો તે કદાપી ચલાવી લેવાશે નહીં શત્રુંજય કોઈની ખાનગી જાગીર નથી!

સંકલન : અનિલ શાહ (વાંસદા)
પાલીતાણામાં આવેલો શાશ્વત શત્રુંજય ગિરિરાજ એટલે અનંત સિદ્ધાત્માઓની પાવન ભૂમિ, જૈન ધર્મની અતૂટ આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર ઊર્જાનો અખૂટ પુંજ. દાદા સીમંધર સ્વામીની દેશનામાં જે ગિરિરાજનાં ગુણગાન ગવાય છે, તેના એકેએક કણમાં જૈન સમાજની શ્રદ્ધા વસે છે. આવા પવિત્ર ગિરિરાજની અસ્મિતા અને પવિત્રતાને ઠેસ પહોંચતી હોવાના આક્ષેપો સામે આવે ત્યારે દરેક શ્રદ્ધાળુનું હૃદય ચીરી ઊઠે તે સ્વાભાવિક છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ હેઠળ ગિરિરાજ પર ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે ઊભા થયેલા સવાલો માત્ર વહીવટી નિર્ણય પૂરતા મર્યાદિત નથી; આ તો સમગ્ર જૈન સમાજની આસ્થા, ધાર્મિક વારસા અને વિશ્વાસ સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે.

ગિરિરાજને હરિયાળો બનાવવો, વૃક્ષો વાવવાં અને પર્યાવરણનું સંવર્ધન કરવું આવકારદાયક છે, પરંતુ વનીકરણના નામે જો ધંધાકીય હિતો સાધવામાં આવતા હોય, તો તે અસ્વીકાર્ય છે. હાલ અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે ચાલી રહેલા વનીકરણ પ્રોજેક્ટ અંગે અનેક સવાલો ઊભા થયા છે. એક ચર્ચા પ્રમાણે આ પ્રોજેક્ટમાં સામેલ કંપનીના સંચાલકો ગિરિરાજ પર્વત પર સંચાલન કરતી આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકો પૈકીના એક છે.અને આ કંપનીના સંચાલકોએ ગિરિરાજનીઅખંડ પવિત્રતાને ખંડિત કરવાનું દુઃસાહસ કરી ગિરિરાજની પાછળની તળેટીથી પાર્શ્વ પદ્માવતી સુધી ભારે યંત્રોની મદદથી રસ્તો બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના સંચાલકો અને આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકોની મિલીભગતથી આ કામગીરી કોઈપણ જૈન શ્રેષ્ઠી આગેવાન કે પ્રતિનિધિઓને હોય કે કોઈપણ જૈનાચાર્યોને વિશ્વાસમાં લીધા વિના હું બાવો અને મંગળદાસની જેમ શરૂ કરવામાં આવતાં જૈનોમાં ભરેલો અગ્નિ જોવા માલિક્રહ્યો છે અને જૈનો આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકોની પૂછી રહ્યા છે કે અમારા પવિત્ર ગિરિરાજની રક્ષા કરવા આપ કામગીરી કરી ર છો કે પવિત્ર ગિરિરાજની પવિત્રતાને ખંડિત કરવાની કામગીરી કરી રહ્યા છો? આ કામગીરીની જવાબદારી કોણ લેશે? ગિરિરાજની પવિત્ર શિલાઓને સામાન્ય પથ્થરો ગણીને જેસીબી, બુલડોઝર અને હાઇડ્રોલિક જેવાં ભારે યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તેને માત્ર વિકાસકાર્ય કહીને યોગ્ય ઠેરવી શકાય નહીં.

વનીકરણ માટે શાશ્વત ગિરિરાજની પવિત્ર ભૂમિ પર રસ્તાઓ બનાવવાની અનિવાર્યતા શું હતી? ગિરિરાજને હરિયાળો બનાવવો એક બાબત છે, પરંતુ તેના નામે આર્થિક લાભ મેળવવાની વ્યવસ્થા ઊભી કરવી તદ્દન અલગ બાબત છે. વનીકરણ અને કાર્બન ક્રેડિટ વચ્ચેના સંબંધને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટમાં આવી કોઈ વ્યવસ્થા છે કે નહીં, કોને આર્થિક લાભ થવાનો છે અને તેની શરતો શું છે, તે અંગેની સત્તાવાર વિગતો જાહેર થવી જોઈએ. અત્રે પ્રશ્ન એ પણ ઉદ્ભવી રહ્યો છે કે મોસાળમાં જમવાનું અને માઁ પીરસનારા હોય તેમ આણંદજી કલ્યાણજી પેઢી અને ખાનગી કંપનીના સંચાલકો આ પ્રોજેક્ટ સાથે કામગીરી કરી રહ્યા હોવાની પણ જૈનોમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે આ કામગીરી સાથે સંકળાયેલી કંપની અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી સુધીર મહેતા વચ્ચેના સંબંધોને લઈને પણ સવાલો ઊઠતા હોય, તો સંભવિત હિતસંઘર્ષ અંગે પારદર્શક ખુલાસો કરવો અનિવાર્ય છે. આ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને તથ્યો જાહેર થવા જોઈએ.

સૌથી ગંભીર બાબત એ છે કે ગિરિરાજ પર કામચલાઉ ધોરણે બનાવવામાં આવેલા રસ્તાઓ હજી સુધી બંધ કરવામાં આવ્યા નથી, એવો આક્ષેપ છે. જો આ હકીકત સાચી હોય, તો રસ્તાઓ બંધ કર્યા વિના માત્ર માફી માગવાથી શું ગિરિરાજની પવિત્રતા પુનઃસ્થાપિત થઈ જશે? પહેલાં રસ્તાઓ બંધ કરો, નુકસાન અટકાવો અને જવાબદારી નક્કી કરો; પછી માફી માગો! તે કેટલું વ્યાજબી? ખરેખર જૈન શાસનમાં સર્વોચ્ચ સ્થાને રહેલા આચાર્યને વિશ્વાસમાં લઈને સાચવતા શાશ્વતા ગિરિરાજ પર કોઈ પણ કાર્ય કરવું જોઈએ તેની જગ્યાએ ટ્રસ્ટમાં પોતાના સાથીને વહાલા થવા ગીરીરાજના હૃદયને ચીરવાનું દુ: સહસ કર્યું છે તે માફીને લાયક નથી, નથી અને નથી જ. માફ તેને કરી શકાય કે કોઈ કામ ભૂલમાં થયું હોય તો તેની માફી હોય પરંતુ માત્ર ધંધાકીય હેતુથી કરેલા કાર્યને ક્યારેય માફ કરી શકાય નહીં. આ ગિરિરાજ કોઈ એક ટ્રસ્ટી, કોઈ એક પેઢી કે કોઈ વ્યક્તિની ખાનગી જાગીર નથી. આ તો લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું શાશ્વત કેન્દ્ર છે. વહીવટ કરવાની સત્તા હોવાનો અર્થ ગિરિરાજના ધાર્મિક સ્વરૂપને પોતાની ઇચ્છા પ્રમાણે બદલવાનો અધિકાર મળી જવો એવો થતો નથી.
સમાજે પેઢી પર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ એ વિશ્વાસને જાળવવાની જવાબદારી પણ પેઢીના વહીવટકર્તાઓની જ છે. હવે સરકાર, પર્યાવરણ, વનીકરણ કે વિકાસના નામે માત્ર સમજાવટ આપીને સમાજના પ્રશ્નોને ટાળી શકાય નહીં. જૈનાચાર્યોને વિશ્વાસમાં લઈને, નિષ્પક્ષ તપાસ કરાવીને અને પ્રોજેક્ટની નાણાકીય વિગતો જાહેર કરીને જ વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે. જે આગેવાનો આચાર્યોને સમજાવવા નીકળ્યા છે, તેમણે પણ પોતાના અંતરાત્માને પૂછવું જોઈએ કે ગિરિરાજની પવિત્રતા જાળવવી વધુ મહત્ત્વની છે કે કોઈ વ્યક્તિ કે સંસ્થાના નિર્ણયનો બચાવ કરવો? પૈસા, હોદ્દા કે પ્રભાવથી ગિરિરાજની પવિત્રતાનું મહત્ત્વ ઓછું થતું નથી.
હવે જૈન સમાજને મૌખિક આશ્વાસનો નહીં, પરંતુ સ્પષ્ટ જવાબો અને નક્કર કાર્યવાહી જોઈએ છે. રસ્તાઓની કાયદેસરતા, વનીકરણ પ્રોજેક્ટની મંજૂરીઓ, ખર્ચ, કંપનીની ભૂમિકા અને સંભવિત પર્યાવરણીય નુકસાન અંગે પારદર્શક માહિતી જાહેર થવી જ જોઈએ. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ગિરિરાજને વધુ નુકસાન પહોંચાડી શકે તેવી કામગીરી અંગે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. અન્યથા સમાજે ફરી એક વખત લોકશાહી અને શાંતિપૂર્ણ માર્ગે પોતાનો વિરોધ નોંધાવવો પડે તો તેની જવાબદારી કોણ લેશે?
આ કોઈ વ્યક્તિ સામેનો અંગત વિરોધ નથી; આ શાશ્વત ગિરિરાજની અસ્મિતા અને જૈન સમાજની આસ્થાની લડાઈ છે. વનીકરણ આવકાર્ય છે, પરંતુ આસ્થાના ભોગે નહીં; વિકાસ સ્વીકાર્ય છે, પરંતુ ધાર્મિક વારસાની અવગણના કરીને નહીં. શત્રુંજય ગિરિરાજની પવિત્રતા સાથે ચેડાં કરવાનું બંધ કરો—કારણ કે ગિરિરાજ કોઈની ખાનગી જાગીર નથી!
શાશ્વત શેત્રુંજય પર વનીકરણ કે કાર્બન ક્રેડિટનો કારોબાર? આસ્થાના શિખર પર ધંધાની ગંધ!

શાશ્વત શ્રી શત્રુંજય તીર્થ પર ચાલી રહેલા વનીકરણના મામલે શ્રી ગિરિરાજને કોણે ધંધાનું સ્થાન બનાવ્યું છે, તે સમજવા માટે પહેલાં કાર્બન ક્રેડિટ શું છે અને તેની ઉપયોગિતા શું છે, તે સમજવું જરૂરી છે.
કાર્બન ક્રેડિટ એ વૈશ્વિક સ્તરે પ્રદૂષણ અને ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિકસાવવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતું પ્રમાણપત્ર છે.
સાદી ભાષામાં સમજીએ તો, ૧ કાર્બન ક્રેડિટ એટલે ૧ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ (CO₂) અથવા તેટલા જ પ્રમાણના અન્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો અથવા વાતાવરણમાંથી તેના નિર્ધારિત પ્રમાણને દૂર કરવાનો શ્રેય. જોકે, કાર્બન ક્રેડિટનો ચોક્કસ અર્થ અને તેનો ઉપયોગ સંબંધિત વ્યવસ્થાના નિયમો પર આધારિત હોય છે.
આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, તે સમજીએ.
આંતરરાષ્ટ્રીય કાર્બન બજારની કેટલીક વ્યવસ્થાઓમાં કંપનીઓ માટે ઉત્સર્જનનાં લક્ષ્યાંકો અથવા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે. હવે એક ઉદાહરણથી સમજીએ. એક કંપનીને ૧૦૦ ટન કાર્બન ઉત્સર્જનની મર્યાદા હતી, પરંતુ તેણે સોલાર પાવર અથવા નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માત્ર ૭૦ ટન જ કાર્બન ઉત્સર્જન કર્યું. આમ, તેણે નિર્ધારિત મર્યાદાની સરખામણીએ ૩૦ ટન ઉત્સર્જન ઘટાડ્યું.
બીજી તરફ, બીજી કંપનીની ઉત્સર્જન મર્યાદા પણ ૧૦૦ ટન હતી, પરંતુ તેણે ૧૩૦ ટન કાર્બન ઉત્સર્જન કર્યું. આવી પરિસ્થિતિમાં લાગુ પડતા નિયમો અને વ્યવસ્થા મુજબ તેને વધારાના ઉત્સર્જનનું સમાધાન કરવા માટે કાર્બન ક્રેડિટની જરૂર પડી શકે છે.
હવે કાર્બન ક્રેડિટનો વેપાર કેવી રીતે થાય છે?
જો લાગુ પડતા નિયમો હેઠળ પ્રથમ કંપની પાસે વેચી શકાય તેવી ૩૦ કાર્બન ક્રેડિટ ઉપલબ્ધ હોય અને બીજી કંપની તેને ખરીદવા માટે પાત્ર હોય, તો બીજી કંપની બજારભાવ પ્રમાણે પ્રથમ કંપની પાસેથી આ ક્રેડિટ ખરીદી શકે છે.
આમ, પ્રથમ કંપનીને ઉત્સર્જનમાં ઘટાડો કરવા બદલ વધારાની આવક મળી શકે છે, જ્યારે બીજી કંપનીએ પોતાના વધારાના ઉત્સર્જનના સમાધાન માટે આર્થિક ખર્ચ કરવો પડે છે. જોકે, આ વ્યવસ્થા દરેક કાર્બન બજારમાં એકસરખી હોતી નથી અને માત્ર મર્યાદા કરતાં ઓછું ઉત્સર્જન કરવાથી આપમેળે વેચી શકાય તેવી કાર્બન ક્રેડિટ મળી જતી નથી.
સોલાર પ્લાન્ટ, પવનચક્કી, બાયોગેસ અને હાઇડ્રોપાવર જેવા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ દ્વારા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થાય તો નિર્ધારિત નિયમો, માપદંડો અને ચકાસણીને આધારે કાર્બન ક્રેડિટ મેળવી શકાય છે. આવી ક્રેડિટ વેચીને પ્રોજેક્ટ સંચાલકો વધારાની આવક પણ મેળવી શકે છે.
હવે સવાલ એ છે કે શાશ્વત શ્રી શત્રુંજય ગિરિરાજ પર વનીકરણ દ્વારા કાર્બનનું શોષણ થશે અને તેના આધારે કાર્બન ક્રેડિટ મેળવવાની તથા તેનો વેપાર કરવાની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે કે કેમ? જો આવી વ્યવસ્થા હોય, તો તેનો આર્થિક લાભ કોને મળશે?
હવે સમજીએ કે શાશ્વત શ્રી શત્રુંજય ગિરિરાજ પર ચાલી રહેલા વનીકરણ પ્રોજેક્ટમાં કાર્બન ક્રેડિટની કોઈ ભૂમિકા છે કે નહીં અને ગિરિરાજને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવ્યું હોવાની આશંકા પાછળનું ગણિત શું છે!
