Gujarat : વાપી દેસાઇવાડના સતિષ ગુપ્તા, માનવીર ગુપ્તા, સમર્થ ગુપ્તા સહિત 7 લોકોનો ગ્રૂપ 13 એપ્રિલે વૈષ્ણોદેવી અને કાશ્મીરની યાત્રા માટે નીકળ્યો હતો. છેલ્લાં કેટલાક દિવસોથી ગ્રૂપે જમ્મુ-કાશ્મીરના અનેક પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. મંગળવારે જ્યારે પહેલગામ નજીક આતંકવાદી હુમલો થયો, ત્યારે આ ગ્રૂપ શ્રીનગર ખાતે દાલ લેક પર શિકારા રાઇડ્સનો આનંદ માણી રહ્યો હતો.
હુમલાની જાણ થતાં વાપી ગ્રૂપે પણ તરત દેશવાપસીનો પ્લાન બનાવ્યો.
“માહોલ બગડી રહ્યો છે એવી લાગણી થવા લાગી. ઘણા પ્રવાસીઓ એકસાથે ટ્રેન કે ફ્લાઇટ શોધવા લાગ્યા. અમારું ગ્રૂપ પણ ઝડપથી બહાર નીકળવાનું વિચારીને તાત્કાલિક ફ્લાઇટ બુક કરી લીધી,” તેમ સતિષભાઈએ ઉમેર્યું.
સતિષભાઇ ગુપ્તાએ “દિવ્ય ભાસ્કર” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “18 એપ્રિલે અમે ગુલમર્ગ ખાતે હતાં. સવારે બધું શાંત અને સામાન્ય લાગતું હતું. તાજી હવામાં પર્યટકો આનંદ માણી રહ્યા હતા. પરંતુ બપોર બાદ જ્યારે પહેલગામના હુમલાની ખબર મળી, ત્યારે સમગ્ર વાતાવરણમાં એક સાથે ભય ફેલાઈ ગયો.”

પ્રથમ નજરે શાંત લાગતો કાશ્મીર એક ઘાતક પળમાં દહેશતભર્યો બની ગયો છે. સમગ્ર ઘટનાએ પ્રવાસીઓ માટે એક સાવધાનીનો સંદેશ પણ આપી દીધો છે કે પ્રવાસ કરતા સમયે સુરક્ષા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી બની ગઈ છે.
