Gujarat :Surat શહેર ફરી એકવાર દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓના કારણે ચર્ચામાં છે. શહેરના વેડરોડ વિસ્તારની 23 વર્ષની યુવતી સાથે ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુવતીના કહેવા મુજબ, તેને કારમાં નશીલ પદાર્થ આપીને અર્ધબેભાન હાલતમાં જહાંગીરપુરાની હોટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બંને આરોપીઓએ તેને શારીરિક શોષણનો ભોગ બનાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીઓ સામે દુષ્કર્મ અને અન્ય ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને બંનેને ઝડપીને રિમાન્ડ માટે રજૂ કર્યા છે.
પોલીસ તપાસ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી
હાલ પોલીસે સમગ્ર કેસને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. હોટલના સીસીટીવી ફૂટેજ, યુવતીના મેડિકલ રિપોર્ટ, વાહનની વિગતો, તેમજ આરોપીઓના મોબાઇલ કોલ રેકોર્ડના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ પુરાવાઓ મળી શકે છે તેવી શક્યતા છે.
ભાજપના નેતાને સસ્પેન્ડ કરાયો
ઘટનાની ગંભીરતા અને ભાજપ સાથે આરોપીનું જોડાણ જાહેર થતાં જ પાર્ટી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આદિત્ય ઉપાધ્યાયને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની જાહેરાત કરી છે. ઘટના સામે આવતાં સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે અને સમાજમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે