• Fri. Oct 3rd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : વલસાડ જિલ્લામાં નાનાપોંઢા તાલુકાની રચના, વાપી-કપરાડા-પારડીના ગામોને લાભ.

Gujarat : વલસાડ – દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે એક ઐતિહાસિક વહીવટી નિર્ણય લેવાયો છે. જિલ્લામાં નવા નાનાપોંઢા તાલુકાની રચના કરવામાં આવી છે. જેમાં વાપી તાલુકાના 13 ગામો, કપરાડા તાલુકાના 29 ગામો તથા પારડી તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા તાલુકાની જાહેરાત થતાં જ નાનાપોંઢા ખાતે બિરસા મુંડા સર્કલ પર લોકોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો, કપરાડા વિધાનસભા મત વિસ્તારના નાગરિકો તેમજ ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ફટાકડાં ફોડવામાં આવ્યા હતા અને ડીજેના તાલે નૃત્ય કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણયથી સ્થાનિક લોકોને મોટા ફાયદા થશે. અત્યાર સુધી સરકારી કામકાજ માટે કપરાડા, વાપી કે પારડી સુધી જવું પડતું હતું, પરંતુ હવે નાનાપોંઢામાં તાલુકાની રચનાથી નાગરિકોને પોતાના વિસ્તારમાં જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સાથે જ વહીવટી સુવિધાઓ સરળ બનશે અને વિકાસની નવી તકો ઊભી થશે.

જિલ્લા ભાજપ પ્રમુખ, નાનાપોંઢા સરપંચ અને APMC ચેરમેને સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે આ વિસ્તારની લાંબા સમયથી ચાલી આવતી માગણી પૂર્ણ થઈ છે. સ્થાનિક નેતાઓનું માનવું છે કે આ નિર્ણયથી વિસ્તારમાં ભાજપનું રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બનશે અને સામાન્ય નાગરિકોના જીવનમાં સુવિધાઓ વધશે.