• Tue. Oct 7th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : કોલ્ડ્રિફ કફ સિરપ કાંડમાં નવો ખુલાસો, ઝેરી કાચો માલ ગુજરાતમાં બન્યો હોવાની શંકા.

Gujarat : મધ્યપ્રદેશમાં 9 અને રાજસ્થાનમાં 5 બાળકોના મૃત્યુ પછી સમગ્ર દેશ ચોંકી ગયો છે. આ દુર્ઘટનાનું કારણ તામિલનાડુમાં બનેલું “કોલ્ડ્રિફ” નામનું કફ સિરપ હોવાનું બહાર આવ્યું છે. હવે ચોંકાવનારી વાત એ છે કે આ કફ સિરપમાં વપરાયેલું ડાય ઇથાઇલ ગ્લાયકોલ (DEG) કે ઇથાઇલ ગ્લાયકોલ ગુજરાતની કોઈ કંપનીમાંથી પૂરું પાડવામાં આવ્યું હોવાની શક્યતા સામે આવી છે.

સરકારની તાત્કાલિક કાર્યવાહી
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ અને સુરતની કેટલીક કેમિકલ કંપનીઓ આ પ્રકારના પ્રવાહીનું ઉત્પાદન કરે છે. જો આ કંપનીઓમાંથી તામિલનાડુની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સએ કાચો માલ ખરીદ્યો હોવાનું પુરાવાથી સાબિત થશે, તો ગુજરાતમાં પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.

ડાય ઇથાઇલ ગ્લાયકોલ શું છે?
કફ સિરપમાં સામાન્ય રીતે ગ્લિસરીન અથવા પ્રોપિલિન ગ્લાયકોલ (PG) દ્રાવક તરીકે વપરાય છે. પરંતુ કોલ્ડ્રિફ કફ સિરપમાં ડાય ઇથાઇલ ગ્લાયકોલ (DEG) વપરાયો હોવાનું જાણવા મળ્યું છે .જે સામાન્ય રીતે પેઇન્ટ, બ્રેક ફ્લુઇડ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાય છે. ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કંપનીએ સસ્તું પણ ઝેરી DEG વાપર્યું હોવાની શંકા છે.

સરકારની ખરીદીમાં હાનિકારક સિરપનો સમાવેશ નથી.
ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (GMSCL) દ્વારા સરકારી હોસ્પિટલોમાં વિતરણ માટે ખરીદવામાં આવેલી દવાઓમાં કોલ્ડ્રિફ કે કાયસોન જેવી કોઈ સિરપનો સમાવેશ નથી થયો, એવી સ્પષ્ટતા આરોગ્ય વિભાગે કરી છે.

ગુજરાત સરકારની ચકાસણી અને માર્ગદર્શિકા
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 500થી વધુ કફ સિરપ ઉત્પાદક કંપનીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

1. બાળકને કફ સિરપ આપતી વખતે કેવી કાળજી લેવી તે માટે માર્ગદર્શન આપવામાં આવશે.

2. ભારત સરકારે જે નવી ગાઇડલાઇન જાહેર કરી છે તે મુજબ ગુજરાત પોતાનું નિયમન જાહેર કરશે.

3. હાલ સુધીમાં ગુજરાતમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના નોંધાઈ નથી.