Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલું ‘શક્તિ’ વાવાઝોડું હવે ધીમું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતા 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ — વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, “શક્તિ વાવાઝોડાની તીવ્રતા ઘટી છે અને હવે તે ડિપ્રેશન સ્વરૂપે આગળ વધી રહ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદ સક્રિય રહેશે, ત્યારબાદ તેની તીવ્રતા ધીમે ધીમે ઓસરશે.”
હાલમાં દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સપ્તાહના મધ્ય સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
આ દરમિયાન ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. સતત છ દિવસના ભારે વરસાદ બાદ એક દિવસના વિરામ પછી ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો.
આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.