Gujarat : વલસાડ જિલ્લામાં વન્યજીવોના ગેરકાયદેસર શિકાર અને તેમના અંગોના વેચાણની ગંભીર ઘટના સામે આવી છે. વલસાડ ઉત્તર વન વિભાગે મળેલી ગુપ્ત માહિતીના આધારે અજય માંદા પટેલ (રહે. નવેરા, તા. વલસાડ) ના નિવાસસ્થાને રેડ કરી દીપડાનું ચામડું અને પક્ષીના હાડકાં સહિતનો માલ જપ્ત કર્યો હતો.
તપાસ દરમિયાન જણાયું કે દીપડો જે વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 (સુધારા 2022) ની અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રાણી છે તેનું ચામડું અલગ કરી રાખવામાં આવ્યું હતું. વન અધિકારીઓએ સ્થળ પરથી ચારેય પંજાઓ કપાયેલ ચામડું, હાડકાં અને અન્ય પુરાવા કબજે કર્યા હતા.
વેપાર હેતુસર ખરીદીની સ્વીકારોક્તિ
પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી અજય પટેલે સ્વીકાર્યું કે તેણે આ ચામડું સુરેશભાઈ કાશીનાથભાઈ વંજારા પાસેથી વેપાર માટે મેળવ્યું હતું.
પછી સુરેશભાઈએ વન અધિકારીઓને જણાવ્યું કે તેણે આ ચામડું સીતારામ વળવી પાસેથી ખરીદ્યું હતું.
આ રીતે ત્રણેય વ્યક્તિઓએ મળીને દીપડાનું ગેરકાયદેસર શિકાર કરીને તેનો ચામડું વેચાણનો ગુનો આચર્યો હોવાનું સ્પષ્ટ થયું છે.

દુડાના હાડકાં પણ મળ્યા.
સુરેશભાઈ પાસેથી વધુ તપાસ દરમિયાન તેની પાસે રહેલી થેલીમાંથી પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં મળી આવ્યા હતા.
પૂછતાં તેણે સ્વીકાર્યું કે આ હાડકાં દુડો (રેવી દેવી ઘુવડ) ના છે જે પણ અનુસૂચિ–1 હેઠળ આવતું સંરક્ષિત વન્યજીવ છે.
વન વિભાગે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમને કોર્ટમાં રજુ કર્યા બાદ મંગળવાર સુધી રિમાન્ડ મંજૂર કરાયો છે.
હાલ વલસાડ કોર્ટએ મુખ્ય બે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે અને વન વિભાગ વધુ તપાસમાં લાગી ગયો છે.
જનતાને ચેતવણી અને અપીલ
વન વિભાગ, વલસાડ ઉત્તર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જો કોઈને વન્યજીવોના શિકાર, ચામડાના વેપાર, વન ઉપજના ગેરકાયદેસર કાપકામ અથવા પરિવહન અંગે માહિતી મળે તો તરત નજીકની વન કચેરી કે હેલ્પલાઇન નંબર 1926 પર જાણ કરવા વિનંતી છે.

વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવા ગુનાઓ પર શૂન્ય સહનશીલતા નીતિ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
