Gujarat : લક્ષદીપ પાસે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી દિવસોમાં ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ શક્ય ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહના અંતમાં ફરી વરસાદી માહોલ સર્જાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુરુવારે સાંજથી જ શહેરમાં આછા વાદળો છવાયા હતા અને હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા ગરમ ભીનાશવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત શહેરનું મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું, જેમાં લઘુત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણીમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
આ વધેલા તાપમાનને કારણે રાત્રિના સમયે પણ હળવી ઠંડીની અસર ઘટી ગઈ છે અને બફારાની સ્થિતિ સર્જાઈ છે. સવારે ભેજનું પ્રમાણ 64 ટકા જ્યારે સાંજે 58 ટકા નોંધાયું હતું. ઉત્તરપશ્ચિમ દિશાથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાતા વાતાવરણમાં ભેજની અસર વધુ અનુભવાઈ રહી છે.
હાલ હવામાન વિભાગે નાગરિકોને સૂચના આપી છે કે દરિયાકાંઠા વિસ્તારના માછીમારો અને ખેડૂતો હવામાનની નવીનતમ માહિતી પર ધ્યાન રાખે અને અનાવશ્યક મુસાફરીથી બચવું.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ હાલ કેરળ અને કર્ણાટકના કાંઠા નજીક સક્રિય છે અને 18 ઓક્ટોબર સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ ઉત્તર દિશામાં આગળ વધશે. તેની અસરથી મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો ખાસ કરીને નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં 20થી 22 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
