Gujarat : દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે હેલ્પ્સ ફાઉન્ડેશનના “ખુશિયોના દિવાળી પ્રોજેક્ટ અંતર્ગત દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે અનોખો અને હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કસ્તુરબા ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ખીરખાઈ (દેવધા)ની વિદ્યાર્થીનીઓને નવા કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા.
હેલ્પ્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં પ્રકાશ અને ખુશી લાવવાનો છે. તહેવારની ઉજવણી માત્ર દીવાઓ પ્રગટાવવાથી નથી, પરંતુ અન્યના જીવનમાં પ્રકાશ ફેલાવવાથી થાય છે તે વિચારને સાકાર કરવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દ્વારા ફાઉન્ડેશનએ સમાજમાં સમાનતા, સહાનુભૂતિ અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. નાના બાળકો માટે આ ઉપક્રમ માત્ર એક ભેટ નહોતો, પરંતુ તેઓ માટે પ્રેરણારૂપ અનુભૂતિ બની રહ્યો છે, જેમાં સહકાર, પ્રેમ અને માનવતાના મૂલ્યોનો સંદેશ છે.
આ સારા કાર્યને સફળ બનાવવા જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી, અમદાવાદ અને વિતરાગ પરિવાર, મુંબઈનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહની ઝળહળાટી જોવા મળી હતી. નવા કપડાં પ્રાપ્ત થતા બાળાઓમાં આત્મવિશ્વાસ અને તહેવારની સાચી આનંદભાવના ઝીલાઈ રહી હતી.

દિવાળીના તહેવાર નિમિત્તે યોજાયેલ “ખુશીઓ ની દિવાળી” કાર્યક્રમ હેલ્પ્સ ફાઉન્ડેશનની સામાજિક સેવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે, જે તહેવારની સાચી ઉજવણીનો સાર્થક ઉદાહરણ છે.
