• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : દક્ષિણ ગુજરાતમાં માવઠાનો કહેર, ખેડૂતોના ખેતરો પાણીમાં સરકાર મેદાનમાં ઉતરી.

Gujarat : દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ખેતરોમાં ઊભેલા તથા કાપણી માટે તૈયાર થયેલા ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોના ચહેરા પરથી આનંદ ગાયબ થઈ ગયો છે. પાક તણાઈ જવાથી અને મંડળીઓમાં આવક અટકતાં ખેડૂતોને ભારે આર્થિક ઝટકો વાગ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને પોતાના વિસ્તારના સર્વે માટે આદેશ આપ્યા છે.

પૂર્વ મંત્રી મુકેશ પટેલની સુરત સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક

મુખ્યમંત્રીના આદેશ બાદ પૂર્વ મંત્રી મુકેશ પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂતો, ખેડૂત આગેવાનો, ખેડૂત મંડળીઓના પ્રમુખો, શેરડી મંડળીઓના ડાયરેક્ટરો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ ખેડૂતો પાસેથી સીધી માહિતી મેળવી નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાનો અને આગામી રાહત નીતિ માટે રણનીતિ ઘડવાનો હતો.

ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો. મુકેશ પટેલ

બેઠક બાદ મુકેશ પટેલે જણાવ્યું કે, “ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને તૈયાર કરેલો ડાંગરનો પાક જ્યારે ગોડાઉનમાં આવક થતો હતો, ત્યારે માવઠાએ આખો મહેનતનો માળો તોડી નાખ્યો છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.” તેમણે ઉમેર્યું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડીના પાકને ભારે ફટકો લાગ્યો છે, જેના પગલે હજારો ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે.

1.45 લાખ હેક્ટર વિસ્તારનો પાક નુકસાનગ્રસ્ત , 13 સુગર મિલો પર અસર

મુકેશ પટેલે આંકડા રજૂ કરતાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં આશરે 1.45 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગર અને શેરડીની ખેતી થાય છે. છેલ્લા બે દિવસના વરસાદથી ડાંગરના પાક ઉપરાંત શેરડીના પાકને પણ ભારે નુકસાન થયું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની 13 જેટલી સુગર મિલોને પણ ઉત્પાદન અને પુરવઠામાં ફટકો લાગ્યો છે.

નુકસાનનો તાત્કાલિક સર્વે શરૂ, રિપોર્ટ ડેપ્યુટી CMને સોંપાશે

બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે દરેક તાલુકા અને ગામમાં તાત્કાલિક સર્વે શરૂ કરાશે, જેમાં ખેડૂત પ્રતિનિધિઓ પણ હાજર રહેશે જેથી સર્વે પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. આ સર્વેનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂ કરાશે.

અગાઉ પ્રતિ હેક્ટર ₹22,500નું વળતર, હવે વિશેષ સહાયની માગણી

મુકેશ પટેલે યાદ અપાવ્યું કે અગાઉ 25,900 હેક્ટરમાં નુકસાન થયેલ ત્યારે ખેડૂતોને રૂ. 22,500 પ્રતિ હેક્ટર મુજબ કુલ રૂ. 22 લાખ સહાય ચૂકવવામાં આવી હતી. હવે થયેલા વ્યાસક નુકસાનને ધ્યાનમાં રાખીને અગાઉ કરતા વધુ વિશેષ સહાય ચૂકવવાની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતની આશા

સુરત અને આસપાસના જિલ્લાઓના લાખો ખેડૂતો માટે આ બેઠક આશાનો કિરણ બની છે. મુખ્યમંત્રીના તાત્કાલિક સંકલન અને પૂર્વ મંત્રીના મેદાની અભિગમથી સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂતોની મુશ્કેલીઓને ગંભીરતાથી લઈ રહી છે અને તાત્કાલિક વળતર ચૂકવવાની દિશામાં પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.