Gujarat : જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી સાથે ₹35 લાખની ખંડણી માંગવામાં આવી છે. ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે પ્રથમ ₹30 લાખ અને બાદમાં ₹5 લાખ વધારાની માંગણી કરવામાં આવી હતી.
ખંડણીની રકમ અમદાવાદમાં રોનક ઠાકોર નામના વ્યક્તિને આંગડિયા મારફતે મોકલવા માટે સૂચના આપવામાં આવી હતી. સમગ્ર મામલે ધારાસભ્યએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
આશ્રમના નામે પૈસા માંગ્યા બાદ ખંડણીમાં ફેરવાઈ માગણી.
ધારાસભ્ય સંજય કોરડીયાના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલાં એક અજાણ્યા ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. શરૂઆતમાં કોલ કરનાર વ્યક્તિએ આશ્રમ માટે દાન રૂપે સહાય માંગવાનો બહાનો કર્યો હતો, પરંતુ થોડા સમય પછી તે જ વ્યક્તિએ “આશ્રમ માટેની રકમ નહીં, ખંડણી” તરીકે રૂ. 30 લાખની માગણી કરી. જો રકમ ચૂકવવામાં નહીં આવે તો ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં વધુ ₹5 લાખની માંગણી કરીને કુલ ₹35 લાખની ખંડણી માગવામાં આવી હતી.
“આશ્રમના નામે ખંડણી માંગવી સંત સમાજને બદનામ કરવાનો પ્રયાસ” સંજય કોરડીયા
ધારાસભ્યએ જણાવ્યું કે, “આશ્રમના નામે ખંડણી માગવી એ સનાતન ધર્મ અને સંત સમાજને બદનામ કરવાનો પ્રયાસ છે. સંતો ક્યારેય આવા અયોગ્ય કાર્યોમાં જોડાતા નથી, તેઓ હંમેશા લોકોની મદદ કરે છે. મારાં કોઈ એવા કાર્યો નથી કે મને પોલીસ રક્ષણની જરૂર પડે, પણ પોલીસે જે કાર્યવાહી કરવી છે તે કરી રહી છે.”

ગાદી વિવાદ અને જૂના આક્ષેપોની ચર્ચા ફરી ચરચામાં.
ઉલ્લેખનીય છે કે, સંજય કોરડીયા અગાઉ ભવનાથ મંદિરની ગાદી વિવાદને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. આશરે દસ મહિના પહેલાં યોજાયેલી જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યએ તે સમયના કલેક્ટર રચિત રાજ, મામલતદાર અને પ્રાંત અધિકારી પર ગેરકાયદે મહંતની નિમણૂક કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આ સમગ્ર વિવાદને સંતસમાજ વચ્ચે તણાવનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
આ મામલે ભૂતપૂર્વ મહંત મહેશગિરિએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ભૂતપૂર્વ મહંત હરિગિરિએ ભાજપને ₹5 કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે તથા રાહુલ ગુપ્તાને ₹50 લાખ આપ્યા હતા. હાલની ખંડણીની ઘટના બાદ આ સમગ્ર વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.
