• Tue. Nov 18th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ડાંગર પછી હવે શાકભાજી અને ફળ પાકોને ફટકો, ઉત્પાદન ઘટતા બજારમાં ભાવ વધવાની આશંકા.

Gujarat : નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ડાંગરના પાક બાદ હવે શાકભાજી અને ફળ પાકોને પણ ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેતી ક્ષેત્રમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે.

ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકો સડી રહ્યા છે અને પાણીના નિકાલમાં વિલંબ થવાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો પોતાના પાક બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, છતાં ભારે ભેજ અને વરસાદને કારણે પાકમાં ફૂગજન્ય રોગો તથા ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર સતત ભેજવાળા વાતાવરણમાં રીંગણ અને ફ્લાવર જેવા પાકો ઝડપથી સડી જાય છે, જ્યારે કોબીજ અને મરચાંમાં જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે.

ફળ પાકોને પણ મોટું નુકસાન
ફળ પાકોમાં પણ કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને કેળા, પપૈયા અને ચીકુના પાકોને ભારે નુકસાન થયું છે. કેળાના પાન પીળા પડી રહ્યા છે, પાકી ન શકાયેલા કેળા ઉપર જ સડી રહ્યા છે, જ્યારે પપૈયામાં ફળ બેસતું નથી. ખેડૂતો કહે છે કે સતત વરસાદને કારણે ફળનું ગુણોત્તર અને ઉત્પાદન બંને પર અસર પડી રહી છે.

જિલ્લામાં 1000 હેક્ટરથી વધુમાં શાકભાજી ઉત્પાદન
નવસારી જિલ્લામાં અંદાજે 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રીંગણ, કોબીજ, ફ્લાવર, મરચાં અને ચીભડાં જેવા શાકભાજીના પાકો ઉગાડવામાં આવે છે. પરંતુ છેલ્લા ચાર દિવસના કમોસમી વરસાદને કારણે આ તમામ પાકોમાં ગંભીર અસર જોવા મળી રહી છે.

ઉત્પાદન ઘટતા બજારમાં ભાવ વધવાની સંભાવના
શાકભાજી અને ફળના પાકોમાં થયેલા નુકસાનની સીધી અસર બજાર સુધી પહોંચશે. આવનારા દિવસોમાં શાકભાજીના ભાવોમાં 20–30% સુધીનો વધારો થવાની શક્યતા છે, જેનાથી સામાન્ય પરિવારોના માસિક બજેટ પર સીધી અસર પડશે.

ખેડૂતોની માગ : વળતર અને ઝડપી સર્વે
ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવા અને યોગ્ય વળતર આપવાની માગણી કરી છે. તેઓ સરકાર પાસેથી મદદરૂપ યોજના જાહેર કરવાની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી તેઓ આગામી પાક માટે તૈયાર થઈ શકે.

APMC ચેરમેન મહેન્દ્રસિંહ કપલેથીયાનું નિવેદન :

“છેલ્લા પાંચ-છ દિવસથી જે વરસાદ પડ્યો છે, એને માવઠું નહિ પરંતુ વાસ્તવિક વરસાદ કહેવાય. જેના કારણે બગાયતી પાકોમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને રીંગણમાં પાણી લાગવાથી પાક સડી જાય છે. જીવાત અને ફૂગનો ઉપદ્રવ વધી ગયો છે. આવતા 10 દિવસમાં ઉત્પાદન એકદમ ઘટી જશે એવું સ્પષ્ટ જણાય છે.”

ડિજિટલ સર્વેની શરૂઆત ,ખેડૂતો માટે ‘કૃષિ પ્રગતિ’ એપ ઉપયોગી
વિસ્તરણ અધિકારી તેજસ જાદવે માહિતી આપતાં જણાવ્યું કે સરકાર દ્વારા પ્રાથમિક ફિઝિકલ સર્વે પૂર્ણ થઈ ગયો છે, અને હવે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરવામાં આવશે. સર્વેયરોને નિમણૂક આપી દેવામાં આવી છે અને આવતીકાલથી એમના આઈડી એક્ટિવ થશે.

ખેડૂતો જાતે પણ “કૃષિ પ્રગતિ” એપ્લિકેશન મારફતે સેલ્ફ સર્વે કરી શકે છે.
એપમાં ખેડૂતોએ પોતાના ખેતરના વાઇડ એન્ગલ અને ક્લોઝઅપ ફોટા અપલોડ કરવા પડશે તેમજ અસરગ્રસ્ત વિસ્તારનો ઉલ્લેખ કરવો પડશે. જો ખેડૂત ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધાયેલા ન હોય તો એપના ચેટબોક્સમાં વિગતો લખીને પણ અરજી કરી શકે છે.