Gujarat : વલસાડ જિલ્લા SOGએ વલસાડ તાલુકાના કુંડી ગામમાં આવેલી એક ગેરકાયદેસર ફેક્ટરી પર મધરાત્રે રેડ કરીને દુનિયાનું સૌથી કડવું ગણાતું કેમિકલ ડેનેટોનિયમ બેનઝોયેટ બનાવવામાં આવતું હોવાના ખુલાસા કર્યા છે. ડેનેટોનિયમ બેનઝોયેટ સામાન્ય રીતે જોખમી કે ઝેરી રસાયણોમાં બિટરન્ટ (અતિ કડવાશ ઉમેરવું) તરીકે ઉપયોગમાં લેવાય છે, જેથી માનવ કે પ્રાણીઓ તેની આકસ્મિક સેવનથી બચી શકે.
પોલીસ સૂત્રો અનુસાર આ ફેક્ટરી કોઈપણ પ્રકારની કાયદેસર પરવાનગી વગર ચલાવવામાં આવી રહી હતી. SOG ટીમે ફેક્ટરી પર છાપો મારી મોટી માત્રામાં રો-મટીરીયલ અને ઉપકરણો જપ્ત કર્યા છે. સાથે જ ફેક્ટરી સંચાલક અને ત્રણ અન્ય કામદારો સહિત કુલ ચાર ઈસમોને અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ઘટનાસ્થળેથી મળેલા સામગ્રીના સેમ્પલ FSL અને DFS લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેથી ઉત્પાદનની માત્રા, શુદ્ધતા અને ઉદ્દેશ્યની પુષ્ટિ થઈ શકે. આ સાથે પોલીસે કેમિકલ કાચામાલ ક્યાંથી ખરીદવામાં આવતું હતું, કેટલું ઉત્પાદન થતું હતું અને આ પદાર્થ ક્યાં અને કોને સપ્લાય કરવામાં આવતો હતો, તેના જાળ સુધી પહોંચવા તપાસને વધુ ગતિ આપી છે. આ કાર્યવાહીથી જિલ્લાના સુરક્ષા વિભાગે ગેરકાયદેસર રસાયણ ઉત્પાદન અને સંભવિત નશાકારક સપ્લાય ચેઇન પર નોંધપાત્ર પ્રહાર કર્યો હોવાનું માનવામાં આવે છે.
