Gujarat : રાજ્યમાં હવે ઠંડીની ઋતુએ ધીમે ધીમે દસ્તક આપી છે અને હવામાનમાં “ગુલાબી ઠંડી”નો સ્પષ્ટ અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલના આંકડાઓ પ્રમાણે નલિયા શહેર સૌથી ઠંડુ રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે ભૂજમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું હતું. આથી સાબિત થાય છે કે કચ્છ વિસ્તારમાં ઠંડીનો પ્રભાવ અન્ય વિસ્તારો કરતાં વહેલો દેખાવા લાગે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો જોવા મળશે. ઉત્તર-પૂર્વ દિશાથી આવતા પવનના કારણે રાજયમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. સવાર અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ વધુ સ્પષ્ટ બનશે, જ્યારે બપોરે હળવી ગરમાવો યથાવત રહેશે. હવામાન મોડલ મુજબ હજુ કેટલાક દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નહીં હોય અને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.

અમદાવાદમાં પણ ઠંડીની અસર ધીમે ધીમે વધી રહી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન આશરે 17 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. વહેલી સવારે ઠંડા પવનનો અહેસાસ થવાના કારણે લોકો હવે ધીમે ધીમે વુલન, જૅકેટ અને શાલ તરફ વળવા લાગ્યા છે. તબીબી નિષ્ણાતો ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દમાના દર્દીઓને વહેલી સવાર અને રાત્રિના સમયે વધારાની કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે.
