Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નો આવતીકાલનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તેઓ 13 નવેમ્બરના રોજ અમદાવાદ અને મહેસાણાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસને પગલે આ કાર્યક્રમોમાં હાજર રહી શકશે નહીં. અમિત શાહે હાલ દિલ્હીમાં જ રહીને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી, આ હુમલા કેસની તપાસ અને સુરક્ષા પરિસ્થિતિની દેખરેખ રાખવાનું નક્કી કર્યું છે.
સૂત્રો જણાવે છે કે ગૃહ મંત્રી અમિત શાહ વિડિયો કોન્ફરન્સ મારફતે બોરીયાવીના કાર્યક્રમમાં જોડાઈ શકે છે. ભાજપના સૂત્રો અનુસાર, હાલમાં ગૃહ મંત્રાલય દિલ્હીમાં સતત સુરક્ષા સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત છે. બોમ્બ વિસ્ફોટની ઘટનાની તપાસમાં અનેક એજન્સીઓ સંકળાયેલી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી સીધા તંત્રો સાથે સંપર્કમાં રહીને તપાસની દેખરેખ કરી રહ્યા છે.
દિલ્હીના હુમલા બાદ સમગ્ર દેશના મોટા શહેરોમાં સુરક્ષા વધારવામાં આવી છે. આ સંજોગોમાં ગુજરાત પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તપાસને વધુ ગતિ મળી રહે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અમિત શાહ હાલ આંતરિક સુરક્ષા અને રાષ્ટ્રીય તપાસના મુદ્દે સંપૂર્ણ રીતે કેન્દ્રિત છે.

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી 12 નવેમ્બરના રોજ રાત્રે અમદાવાદ આવવાના હતા અને 13 નવેમ્બરે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા સાથે મહેસાણાના બોરીયાવી ખાતે સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. પરંતુ તાજેતરના દિલ્હી બ્લાસ્ટને લઈને કેન્દ્ર સરકાર અત્યંત ગંભીરતાથી મામલાની તપાસ કરી રહી છે, જેના કારણે અમિત શાહે પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે.
