Gujarat : નવસારી જિલ્લો, જે ક્યારેય શાંત અને નિરાપદ ગણાતો હતો, ત્યાં હવે ગુનાહિત પ્રવૃત્તિઓએ માથું ઉંચું કરવાનું શરૂ કરી દીધું છે. માત્ર દસ દિવસમાં બે ફાયરિંગની ગંભીર ઘટનાઓ બનતા કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરની બંને ઘટનાઓમાં પોલીસે વોન્ટેડ આરોપીઓને કાબૂમાં લેવા માટે જવાબી ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, જે દર્શાવે છે કે ગુનેગારો હવે પોલીસ સામે પણ હિંસક વલણ અપનાવી રહ્યા છે.
આ ઘટનાના માત્ર દસ દિવસ બાદ જ નવસારી જિલ્લાના બીલીમોરા વિસ્તારમાં બીજી ગંભીર ફાયરિંગની ઘટના બની. 11 નવેમ્બર 2025ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જ્યાં કુખ્યાત ગેંગના સાગરીતોએ પોલીસ પર ગોળીબાર કર્યો. સ્વબચાવમાં SMCની ટીમે પણ ફાયરિંગ કર્યું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી હતી. પોલીસે ચાર સાગરીતોને ઝડપી પાડ્યા જેમનો સંબંધ હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે.
નવસારી જિલ્લામાં બનેલી આ બે ફાયરિંગની ઘટનાઓએ ચિંતા ઊભી કરી છે કે અન્ય રાજ્યોના ખતરનાક ગેંગસ્ટરો હવે નવસારીને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે પસંદ કરી રહ્યા છે. જિલ્લામાં રેલવે, હાઇવે અને દરિયાઈ માર્ગ જેવા ત્રણેય માર્ગો દ્વારા ભાગવાની સહેલી સગવડ હોવાને કારણે ગુનેગારો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ બની રહ્યો છે. પોલીસ સૂત્રો કહે છે કે હવે જિલ્લામાં કાયમી ધોરણે સઘન ચેકિંગ અને વિજિલન્સ સિસ્ટમ શરૂ કરવાની જરૂર છે, જેથી ગુનાખોરીના પ્રવાહને નિયંત્રિત કરી શકાય.

પહેલી ઘટના નવસારીના ડાભેલ ગામમાં બની હતી, જ્યાં સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારના અનેક ગંભીર ગુનાઓ હત્યા, ખંડણી અને દબાણ માં વોન્ટેડ આરોપી સલમાન ઉર્ફે લસ્સી છુપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે તેને પકડવા દરોડો પાડ્યો ત્યારે લસ્સીએ પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. સોઢા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સ્વબચાવમાં ઇન્સ્પેક્ટરે ફાયરિંગ કરવું પડ્યું, જેમાં લસ્સીના પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો અને અંતે પોલીસે તેને કાબૂમાં લીધો.
નિવૃત્ત ડીવાયએસપી આર.એ. મુનશીએ જણાવ્યું કે, “જે જિલ્લો શાંત દેખાય છે તે ક્યારેક સૌથી ખતરનાક સાબિત થાય છે. નવસારી પહેલેથી ક્રાઇમ-ફ્રી ઝોન માનાતો હતો, પરંતુ હવે કુખ્યાત આરોપીઓ અહીં આશ્રય લે છે કારણ કે ભાગવાની સહેલાઈ છે અને કેટલાક રૂટ પર પોલીસ ચેકપોસ્ટનો અભાવ છે. હવે આ વિસ્તારમાં ચકાસણી વધુ કડક કરવી જરૂરી છે.”
