Gujarat : સુરત દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટના માહોલ વચ્ચે સુરતમાં પણ એક ઘટના એવી બની કે લોકોએ થોડી ક્ષણ માટે શ્વાસ અટકાવી દીધો. સિંગણપોર વિસ્તારના હરિદર્શનના ખાડા નજીકથી બાઈક પર ત્રિપલ સવારી કરતા ત્રણ યુવકોમાં વચ્ચે બેઠેલા યુવકના હાથમાં AK-47 જેવી દેખાતી લાંબી બંદૂક જોવા મળતા વિસ્તારના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળનો વીડિયો વાયરલ થતાં જ સિંગણપોર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને બાઈક નંબરના આધારે ત્રણેય યુવકોને ઝડપી દબોચી લીધા.
લોકોમાં ભય: કારતૂસનો સેટ પણ લગાડેલો AK-47 જેવી બંદૂક જોઈ લોકો ગભરાયા.
મળતી માહિતી મુજબ, વાયરલ થયેલા વીડિયોમાં ત્રણેય યુવકો બાઈક પર આરામથી ફરતા દેખાય છે. સૌથી વધારે ચિંતાનું કારણ એ હતું કે વચ્ચે બેઠેલા યુવક પાસે AK-47 જેવી લાંબી બંદૂક હતી અને બંદૂકના ઉપરના ભાગે કારતૂસનો સેટ પણ લગાડેલો હતો. રસ્તેથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો એક ક્ષણ માટે ભયથી અટકી ગયા હતા, કારણ કે દેશમાં તાજેતરના આતંકી હુમલાઓ બાદ લોકો પહેલાથી જ ચેતીને જીવતા હતા.
પોલીસની ઝડપી કાર્યવાહી: બાઈક નંબર પરથી ઓળખ કરી તરત જ ધરપકડ.
વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સિંગણપોર પોલીસે હરકતમાં આવી, બાઈકનો નંબર ટ્રેસ કરીને થોડા કલાકોમાં જ ત્રણેય યુવકોને પકડ્યા. પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બંદૂક હકીકતમાં પ્લાસ્ટિકની રમકડાની હતી અને ત્રણેય યુવક માત્ર “શો-બાજી” કરવા નીકળ્યા હતા.

યુવકોમાંથી કબૂલાત: ‘મજા માટે નીકળ્યા હતા’, પોલીસએ કાન પકડી માફી મંગાવી.
સિંગણપોર ટેકરા ફળિયામાં રહેતા
હસમુખ કાલીદાસ ઓડ (ઉંમર 35)
વિક્રમ કાલીદાસ ઓડ (ઉંમર 32)
રવિશંકર પગારે (અંબિકાનગર, પાલનપુર ગામ)
ત્રણે એ કબૂલ્યું કે તેઓએ માત્ર સ્ટંટ અને હિરોગીરી બતાવવા માટે રમકડાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસએ ત્રણેયને કાન પકડી માફી પણ મંગાવી.
