• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : વલસાડના પારડીમાં BLOઓની સક્રિય કામગીરી: સાચા દરેક મતદારનું નામ યાદીમાં રહે તે માટે વિશેષ અભિયાન.

Gujarat : લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો સત્તાવાર પ્રારંભ થયો છે. આ અંતર્ગત પારડી તાલુકાના તમામ મતદાન મથકો પર 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) હાજર રહી મતદાર યાદી ચકાસણી અને સુધારણા કાર્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. BLOઓએ આ દિવસોમાં મોટી સંખ્યામાં મતદારોને પહોંચીને સક્રિયપણે ભાગ લેવા માટે વિશેષ અપીલ કરી.

ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ BLOઓએ વિસ્તારની ઘરો, સમાજવાડા અને શાળાઓમાં જઈને મતદાર નોંધણી અને સુધારણા માટેના ફોર્મનું વિતરણ કર્યું હતું. હાલ ભરેલા ફોર્મ એકત્ર કરવાની પ્રક્રિયા પણ જોરશોરથી ચાલી રહી છે. જો કોઈને ફોર્મ મળ્યું ન હોય અથવા ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવાતી હોય, તો તેમના માટે નિર્ધારિત દિવસોમાં પોતાના મતદાન મથકે પહોંચી BLOની મદદ લેવા વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વલસાડના તમામ તાલુકાઓમાં BLOઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવામાં આવી છે જેથી મતદાર યાદી સુધારણા વધુ અસરકારક રીતે સંપન્ન થાય. પારડીના કાર્યક્રમને સફળ બનાવવા બ્રિજેશ રાયે તમામ મતદાર ભાઈઓ-બહેનો અને ખાસ કરીને યુવા મતદારોને અપીલ કરી છે કે તેઓ પોતાની સાથે-સાથે પરિવારના સભ્યોના નામ યાદીમાં નોંધાયેલા છે કે નહી તે ચકાસે, જરૂરી ફેરફારો કરાવે અને લોકશાહી પ્રત્યેનું પોતાનું યોગદાન મજબૂત કરે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ સાચો મતદાર યાદીમાંથી વંચિત નહીં રહી જાય અને જે નામો ભૂલથી સામેલ છે તે દૂર થાય, જેથી આવનારી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા વધુ સચોટ અને પારદર્શક બને. BLOઓ મતદારોના પ્રશ્નોનું તરત નિરાકરણ લાવતા, ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવતા અને જરૂરી દસ્તાવેજો અંગે માર્ગદર્શન પૂરો પાડતા જોવા મળ્યા.