Gujarat : સુરતમાં આર્થિક ગુના નિવારણ સેલે આજે (20 નવેમ્બર) સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન (SDCA)ના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર (82)**ને કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરી છે.
આરોપ મુજબ કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સ્વ. સગાભાઈ હેમંતભાઈ અને ભાભી નયનાબેનના નામે ખોટી પાવર ઓફ એટર્ની બનાવી હતી અને તેના આધારે બજાજ ફાઈનાન્સમાંથી ₹2.92 કરોડની લોન લીધી હતી. હપ્તા ભરવાનું બંધ થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો, જેની ફરિયાદ બાદ EoWએ તપાસ શરૂ કરી.
ધરપકડથી બચવા તેઓએ સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સહાયતા માગી, પરંતુ તમામ કોર્ટોએ અરજી નામંજૂર કરી. સુપ્રીમ કોર્ટએ તેમને 6 અઠવાડિયામાં લોન ભરવા અને બોગસ દસ્તાવેજો પરત આપવા કહ્યું હતું.
લોનની રકમ ભરી દીધી હોવા છતાં, દસ્તાવેજો પરત ન આપતાં સુપ્રીમે તેમની તમામ રાહત રદ્દ કરી. ત્યારબાદ સુરત ઈકો સેલે તાત્કાલિક તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
