અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આજે સવારથી જ દહેશતનું વાતાવરણ છવાઈ ગયું હતું, કારણ કે અહીં આવેલા એક કોમ્પ્લેક્સમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે પળોમાં જ કોમ્પ્લેક્સની અનેક દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી લોકોને શરૂઆતમાં તો સ્થિતિનું ગમ્યું જ ન હતું, પરંતુ થોડા જ સમયમાં આગની ગંભીરતા સામે આવી ગઈ.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોએ તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સઘન પ્રયાસો શરૂ કરી દીધા હતા. આગ કોમ્પ્લેક્સની રોડ સાઇડ પર હોવાથી તેની અસર રસ્તા પર ચાલતા વાહનચાલકો પર પણ પડી હતી. માર્ગ પર ધુમાડો છવાઈ જવાથી દોડધામ શરૂ થઈ ગઈ હતી અને લોકો સલામત જગ્યા તરફ ભાગતા જોવા મળ્યા હતા. વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. કૌતુકવશ લોકો ત્યાં રોકાઈ જતા ફાયર બ્રિગેડને કામગીરી આગળ વધારવામાં મુશ્કેલીઓ પણ આવી રહી હતી. આગ એટલી વિકરાળ હતી કે કોમ્પ્લેક્સની આસપાસના વિસ્તારમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો હતો.
હાલમાં ફાયર બ્રિગેડની ટીમો આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસોમાં લાગી છે. આ આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દૃષ્ટિએ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, અધિકૃત કારણ ફાયર વિભાગ દ્વારા જ જાહેર કરવામાં આવશે. આગથી થયેલા નુકસાન અંગેનો ચોક્કસ અંદાજ હજી સુધી મળી શક્યો નથી, પરંતુ અનેક દુકાનોને ભારે નુકસાન થયું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
સ્થિતિ પર નજર રાખી રહેલી ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો લોકોમાં શાંતિ જાળવવાની અપીલ કરી રહી છે. વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
