• Wed. Dec 10th, 2025

Gujarat : અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓને ફરી એકવાર સતર્ક થવા મજબૂર કરતી ઘટના સામે આવી.

Gujarat : અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓને ફરી એકવાર સતર્ક થવા મજબૂર કરતી ઘટના સામે આવી છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપતો અજાણ્યો ઈ-મેઈલ મળતા હાઈકોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ. ધમકી મળ્યા બાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો હાઈકોર્ટ પહોંચી ચૂકી છે અને સમગ્ર બિલ્ડિંગ તથા પાર્કિંગ વિસ્તારની તલાશી કામગીરી શરૂ કરી છે.

બીજી તરફ, ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હોવાની ઘટના પણ સામેથી આવી રહી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પર દબાણ વધુ વધી ગયું છે. તેમ છતાં હાઈકોર્ટની અંદર કોર્ટનું કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી રહ્યું છે, જેથી ન્યાયિક પ્રક્રિયા પર કોઈ અસર ન પડે.

આ પહેલી વાર નથી જ્યારે હાઈકોર્ટને આવી ધમકી મળેલી હોય. છેલ્લા કેટલાક મહિનાઓમાં જ હાઈકોર્ટને ત્રણથી વધુ વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. તાજેતરમાં 20 ઓગસ્ટના રોજ અજાણી ઈ-મેઈલ પરથી આવી જ ધમકી આવી હતી, જેના પગલે પોલીસ અને BDDS ટીમોએ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો, જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

તે પહેલાં 9 જૂનના રોજ પણ હાઈકોર્ટને બોમ્બની ધમકી મળતા રિસેસ બાદ કોર્ટ બંધ કરવી પડી હતી. આ ઉપરાંત 3 જૂનના રોજ શહેરની જીનિવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા શહેરમાં હલચલ મચી હતી.

વધતી ધમકીઓના પગલે સુરક્ષા એજન્સીઓ સજાગ થઈને સતત મોનિટરિંગ કરી રહી છે. આવનારા કલાકોમાં હાઈકોર્ટના પરિસરમાં સઘન ચકાસણી ચાલુ રહેશે અને પોલીસે ધમકીભર્યા ઈ-મેઈલના સ્ત્રોતને ટ્રેસ કરવાની કામગીરી તેજ કરી છે.