Gujarat : ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આયોજિત ડાયમંડ જ્યુબિલી નેશનલ જમ્બોરીમાં ભાવનગર જિલ્લાના સ્કાઉટ–ગાઈડ્સે ઉત્તમ પ્રદર્શન કરી એ-ગ્રેડ મેળવતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી છે. ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, ન્યૂ દિલ્હીની 19મી નેશનલ જમ્બોરી અને સ્કાઉટિંગના 75 વર્ષ પૂર્ણ થવાના ડાયમંડ ફિનાલે સમારંભમાં દેશના 45થી વધુ રાજ્યો અને 10 દેશોના કુલ 35,000 સભ્યોએ ભાગ લીધો હતો.
આ વિશાળ ભવ્ય જમ્બોરીમાં ભાવનગરના સ્કાઉટ–ગાઈડ્સે વિવિધ સ્પર્ધાઓ અને કેમ્પ પ્રવૃત્તિઓમાં અનોખી ક્ષમતાનો પ્રદર્શન કરી રાજ્ય માટે ગૌરવનો ક્ષણ સર્જ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાયેલા સમાપન સમારંભે કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું હતું, જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીથી જમ્બોરીનો મહિમા વધુ વધ્યો હતો.

કેમ્પ દરમિયાન કેમ્પ ફાયર, માર્ચપાસ્ટ, રંગોલી, કેમ્પ ક્રાફ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે, પ્રદર્શન, કલર પાર્ટી, બેન્ડ અને સ્ટેટ ગેટ જેવી અનેક સ્પર્ધાઓમાં ગુજરાતના પ્રતિનિધિમંડળે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ખાસ કરીને એડવેન્ચર એક્ટિવિટીઝ, ફન ઝોન, ગ્લોબલ વિલેજ અને નાઈટ ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાવનગર ટીમે પોતાની સક્ષમતા અને ટીમ વર્કનો ઉત્તમ પરિચય આપ્યો હતો. ગાઈડ કેપ્ટન સરલાબેન સાકળીયા, રાજ્યના એક્ટિવિટી ઓફિસર તરીકે જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ અને વિવિધ શાળાઓના માર્ગદર્શકોની આગેવાની હેઠળ ભાવનગરના યુવાનો એ-ગ્રેડ પ્રાપ્ત કરી રાજ્યનું માન વધાર્યું છે. સમગ્ર સફળતા માટે જિલ્લા સ્કાઉટ–ગાઈડ સંઘે ટીમને અભિનંદન પાઠવ્યા છે.
