Gujarat : વાંસદા તાલુકાના લીમઝર ગામના અતિ સંવેદનશીલ આદિમ જૂથ ફળિયામાં પ્રાર્થના સભાના નામે ધર્માંતરણ કરવાના કથિત ષડયંત્રનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અગ્નિવીર હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપૂત અને તેમની ટીમે સ્થાનિક પોલીસ તંત્રને અગાઉથી જાણ કરી સ્થળ પર પહોંચીને ગેરકાયદે રીતે ચાલી રહેલી ધાર્મિક સભા અટકાવી હતી. સંગઠનના દાવા મુજબ આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ભોળા લોકોને લાલચ આપીને અથવા ગેરમાર્ગે દોરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો હતો.
ઘટનાની ગંભીરતા ત્યારે વધુ સ્પષ્ટ બની, જ્યારે પ્રાર્થના સભાનું સંચાલન કરનાર મુખ્ય આયોજક પાસ્ટરના સરકારી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે આધાર કાર્ડ સહિતના સત્તાવાર દસ્તાવેજોમાં આ વ્યક્તિની ધાર્મિક ઓળખ ‘આદિવાસી હિન્દુ’ તરીકે નોંધાયેલ છે. આવી સ્થિતિમાં, આદિવાસી બહુલ વિસ્તારમાં જ્યાં એકપણ વ્યક્તિ વિધર્મી ન હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાં પ્રાર્થના સભાનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા આ સમગ્ર મામલે સ્પષ્ટ વલણ અપનાવવામાં આવ્યું છે કે જો આવા લોકો ખરેખર પોતાનું ધર્મ પરિવર્તન કરી ચૂક્યા હોય, તો તેમણે તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિત તમામ સરકારી દસ્તાવેજોમાં પોતાની ધાર્મિક ઓળખમાં ફેરફાર કરવો જોઈએ. સંગઠનનો આક્ષેપ છે કે પોલીસ કંટ્રોલને જાણ કરવા છતાં સભા આયોજકોએ સભા રોકવાનો ઇન્કાર કરીને કાયદાનો સરેઆમ ભંગ કર્યો હતો, જે ગંભીર ગુનો બને છે.
આ મામલે અગ્નિવીર હિન્દુ સંગઠને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ કડક માંગણી કરી છે કે ગુજરાતના ધર્મ પરિવર્તન વિરોધી કાયદા હેઠળ આ પ્રાર્થના સભાના આયોજકો અને સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે. સાથે જ, આદિવાસીઓના ભોળપણનો લાભ લઈને ચાલી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિઓના આંતરરાષ્ટ્રીય જોડાણોની સઘન તપાસ કરાય અને આદિવાસી વિસ્તારોમાં ચાલતી તમામ શંકાસ્પદ ધાર્મિક પ્રવૃત્તિઓ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે.
અગ્નિવીર હિન્દુ સંગઠનના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ધર્મની સુરક્ષા માટે સંગઠન કોઈપણ હદ સુધી જઈને આ પ્રકારના કથિત ધર્માંતરણના ષડયંત્રોને સફળ થવા દેશે નહીં. આ ઘટનાને પગલે વાંસદા જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં ચાલી રહેલી વટાળ પ્રવૃત્તિઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અગ્નિવીર હિન્દુ સંગઠનના પ્રમુખ મહેન્દ્રસિંહ રાજપુરોહિતે આ પ્રસંગે જણાવ્યું કે, “છાશવારે ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર ક્યારે કડક પગલાં લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે. શું તંત્ર આવા તત્વો સામે કાયદાનો સકંજો કસશે કે પછી મૂક પ્રેક્ષક બનીને બેસી રહેશે?”
આ ઘટનાએ ફરી એકવાર આદિવાસી વિસ્તારોમાં ધાર્મિક પ્રવૃત્તિઓના નામે ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વહીવટી સતર્કતા અને કાયદાની કડક અમલવારીની આવશ્યકતા ઉજાગર કરી છે.
