Gujarat: સુરતના અડાજણ વિસ્તારમાંથી એક અત્યંત શર્મજનક અને સમાજને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો એક યુવક રંગેહાથ ઝડપાયો છે. આ ઘટના રવિવારે રાત્રે બની હતી, જ્યારે તબેલાના માલિકે ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરતા આરોપીને જોઈ લીધો હતો. માલિકને નજરે પડતાં જ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ માલિક અને સ્થાનિકોની મદદથી પોલીસને જાણ કરતાં થોડા સમયમાં જ આરોપીને પીછો કરીને ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ એલ.પી. સવાણી રોડ પર આવેલા એકતાનગર વિસ્તારમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનનો વ્યવસાય કરે છે અને અડાજણ ચોસઠ જોગાણી માતાના મંદિર નજીક તેમનો તબેલો આવેલો છે, જ્યાં અંદાજે 25 જેટલી ગાયો રાખવામાં આવી છે. રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં હનીપાર્ક રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજમોહન રવિન્દ્ર યાદવ (ઉંમર 25, રહેવાસી બિહાર) તબેલામાં ચોરીછૂપીથી ઘૂસ્યો હતો.
તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલીએ શંકાસ્પદ હલચલ જોયા બાદ તાત્કાલિક તબેલાના માલિક બળદેવભાઈને ફોન કરી જાણ કરી હતી. બળદેવભાઈ એક અન્ય યુવક સાથે તાત્કાલિક તબેલે પહોંચ્યા ત્યારે આરોપી ગાયના પાછળના પગ દોરડાથી બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હતો, જેને જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

માલિક અને સાથીને જોઈ આરોપી અંધારાનો લાભ લઈ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. બળદેવભાઈ અને તેમના સાથીએ મોપેડ પર ફિલ્મી ઢબે તેનો પીછો શરૂ કર્યો હતો. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી PCR વાન નજરે પડતાં તેમણે પોલીસને મદદ માટે સંકેત કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જલારામ ખમણ હાઉસ પાસે આવેલા એક ગેરેજ નજીકથી આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બ્રિજમોહન છેલ્લા એક વર્ષથી સુરતમાં નોકરી કરતો હતો. તે પરિણીત છે અને તેને એક નાની બાળકી પણ છે, જે તેના વતનમાં રહે છે. પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા તથા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર અડાજણ વિસ્તારમાં તેમજ પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે અને આરોપીને કડક સજા કરવાની માંગ ઉઠી છે.
