• Fri. Jan 16th, 2026

Gujart : શૈલેષ પટેલની ટિપ્પણી પર ભાજપ સમર્થકોમાં રોષ.

Gujarat : નવસારી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આપેલું વિવાદાસ્પદ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદન ચીખલી તાલુકાના શ્યાદા ગામે આયોજિત એક રાત્રિ સભા દરમિયાન આપવામાં આવ્યું હતું. શૈલેષ પટેલે પોતાના ભાષણમાં કટાક્ષમય ઉદાહરણ આપતા કહ્યું હતું કે, “અમેરિકાએ કિડની બદલીને માણસને ચાલતો કર્યો.

જાપાને લીવર બદલીને માણસને કલાકોમાં કામ કરતો કર્યો, જ્યારે ભારતમાં માત્ર એક વ્યક્તિ બદલી નાખતાં આખો દેશ કામ-ધંધો શોધતો થઈ ગયો છે.” આ નિવેદન બાદ તેમણે વધુ આક્રમક ભાષા અપનાવતા કહ્યું હતું કે, “ગુજરાતીઓ ક્યાંય પાછળ ન પડે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી દેશ લૂંટવામાં પણ ક્યાંય પાછળ નહીં રહે.” આ શબ્દો સામે આવતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

શૈલેષ પટેલના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના પગલે ભાજપ સમર્થકો તેમજ સામાન્ય નાગરિકોમાં કડક પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અનેક લોકોનું કહેવું છે કે આ પ્રકારની ટિપ્પણીઓથી માત્ર રાજકીય વિરોધ જ નહીં પરંતુ ગુજરાતીઓની લાગણી અને સ્વાભિમાનને પણ ઠેસ પહોંચે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવનારા દિવસોમાં આ નિવેદનને લઈને શૈલેષ પટેલ સામે પાર્ટીસ્તર પર અથવા કાયદાકીય રીતે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

વિવાદ વધતા શૈલેષ પટેલે પોતાની સ્પષ્ટતા પણ આપી છે. તેમણે જણાવ્યું કે તેમણે ગુજરાતીઓ વિશે કોઈ અણછાજતી કે અપમાનજનક ટિપ્પણી કરી નથી. તેમના જણાવ્યા અનુસાર, તેમનો ઉદ્દેશ્ય માત્ર કેન્દ્ર સરકારના શાસન અને નીતિઓ પર પ્રહાર કરવાનો હતો. “ગુજરાતીઓ ક્યાંય પાછળ ન પડે એ તો ગર્વની વાત છે,” એવું કહેતા તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે દેશ ચલાવી રહ્યા છે, તેની સામે તેમણે રાજકીય રીતે ટીકા કરી છે અને તેમાં ગુજરાતીઓનું અપમાન કરવાનો કોઈ આશય નથી. જોકે, આ સ્પષ્ટતા બાદ પણ વિવાદ શમતો દેખાતો નથી અને સમગ્ર મામલે રાજકીય ગરમાવો યથાવત રહ્યો છે.