Gujarat : વલસાડ જિલ્લાના નાનાપોઢા ખાતે આયોજિત ‘ગુજરાત જોડો યાત્રા’ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી સરકાર સામે ઉગ્ર પ્રહારો કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત બાદ રવિવારે નાનાપોઢામાં યોજાયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ વન વિભાગ અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આદિવાસીઓના હકો અને જમીન મુદ્દે સરકારને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ વણસશે તો આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરતા પણ અચકાશે નહીં.
વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર આદિવાસીઓની જમીનો છીનવી લેશે, તો આદિવાસી સમાજ ગાંધીનગર સુધી કૂચ કરશે. તેમણે સરકાર સામે વધુ કડક ભાષા વાપરતા કહ્યું હતું કે જરૂર પડી તો “નેપાળવાળી” એટલે કે ક્રાંતિકારી ફેરફાર માટે પણ તેઓ તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે હાલ તેઓ સંવાદ અને બંધારણમાં વિશ્વાસ રાખે છે, પરંતુ જો સરકાર કોરિડોર, હાઈ-ટેન્શન લાઇન કે અન્ય વિકાસ યોજનાઓના નામે આદિવાસીઓને પરેશાન કરવાનું બંધ નહીં કરે, તો પછી આરપારની લડાઈ લડવી પડશે. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૈતર વસાવાએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે દિવસે આદિવાસીઓ પોતાના તીર–કામઠાં, ભાલા અને પાલિયા લઈને રસ્તા પર ઉતરશે, તે દિવસે વન વિભાગ ક્યાંય નજરે નહીં પડે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ હથિયારો માત્ર ઘરના શણગાર માટે નથી, પરંતુ જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવામાં પણ સંકોચ નહીં કરવામાં આવે. તેમના આ નિવેદનથી બેઠકમાં હાજર કાર્યકરો અને સમર્થકોમાં ઉગ્ર ઉત્સાહ જોવા મળ્યો હતો.
