Politcs News : ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક કિરીટ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સંગઠનમાં થયેલી નિમણૂકો અને સ્થાનિક નેતાઓની અવગણનાને પગલે તેઓ નારાજ હોવાનું સામે આવ્યું છે.
પાટણના MLA કિરીટ પટેલ આજે બપોરે 3:00 વાગ્યે દંડક પદેથી સત્તાવાર રીતે પોતાનું રાજીનામું સોંપશે. સંગઠનમાં થયેલી નિમણૂકો અને ખાસ કરીને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખની વરણી મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહ્યો છે. જયાબેન શાહને ફરી પ્રમુખ બનાવતા અને સ્થાનિક નેતાઓની ‘સેન્સ’ લીધા વગર નિર્ણય લેવાતા કિરીટ પટેલ લાલઘૂમ થયા છે.
કેમ નારાજ છે કિરીટ પટેલ?
કિરીટ પટેલે મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પક્ષમાં જ્યારે કોઈ મહત્વની નિમણૂક કરવામાં આવે ત્યારે સ્થાનિક ધારાસભ્યોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને જયાબેન શાહ સામે વ્યક્તિગત વાંધો નથી, પરંતુ જે રીતે સ્થાનિક નેતાઓની ‘સેન્સ’ લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો છે તે પક્ષની શિસ્ત વિરુદ્ધ છે. જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો જૂથબંધી દૂર કરવી જોઈએ અને કાર્યકરો તેમજ ધારાસભ્યોના મંતવ્યોને મહત્વ આપવું જોઈએ.

હાઈકમાન્ડ સાથે મંત્રણા તેજ
આ ઘટનાક્રમ વચ્ચે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પક્ષના અગ્રણીઓ તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ કિરીટ પટેલ પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહ્યા છે.
સંગઠનમાં આંતરિક ડખો વધ્યો
પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે શિસ્તભંગની પણ ચર્ચાઓ થઈ રહી છે. એક તરફ ભાજપ મજબૂત બની રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં ચાલી રહેલો આ આંતરિક કલહ આગામી સમયમાં પક્ષ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
