• Fri. Jan 16th, 2026

Gujarat : સુરત શહેર વહેલી સવારથી શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું નજરે પડ્યું.

Gujarat : નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ સુરત શહેરના હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું નજરે પડ્યું હતું, જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહી હતી અને વાહનચાલકોને માર્ગ પર ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ધુમ્મસ વચ્ચે જ સુરતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત સુરતીઓ માટે આ કમોસમી વરસાદ અને ઠંડીનો સંયોગ આશ્ચર્યજનક સાબિત થયો છે.

હવામાન કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધવાની શક્યતા છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાત્રીના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે, જેને પગલે શહેરમાં ‘કડકડતી ઠંડી’ અથવા કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ લોકો આ ગુલાબી ઠંડી અને વરસાદી માહોલની મજા માણી રહ્યા છે, તો બીજી તરફ અચાનક આવેલા આ હવામાન ફેરફારને કારણે આરોગ્ય પર અસર પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ખાસ કરીને બાળકો, વડીલો અને વહેલી સવારે કામ પર નીકળતા નાગરિકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ આજે સુરતમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ગત દિવસોની સરખામણીએ લગભગ ત્રણ ડિગ્રી જેટલું ઓછું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 91 ટકા જેટલું ઊંચું નોંધાતા ધુમ્મસ અને ભેજનો અહેસાસ વધુ થયો હતો. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર રહ્યું હતું, પરંતુ વાદળછાયા આકાશ અને પવનની અસરને કારણે બપોરે પણ ઠંડક અનુભવાઈ રહી હતી. હવાનું દબાણ 1013.5 hpa નોંધાયું છે, જે વાતાવરણ સ્થિર હોવાનો સંકેત આપે છે.