ઝારખંડથી દિલ્હી જઈ રહ્યું એક ચાર્ટર્ડ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું છે. આ પ્લેનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. રેડબર્ડ કંપનીનું આ બીચક્રાફ્ટ કિંગ એર B90L એક એર એમ્બ્યુલન્સ હતું.
ફ્લાઈટે સોમવારે સાંજે 7:11 વાગ્યે રાંચીથી ઉડાન ભરી હતી, જેનો 7:34 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. થોડીવાર પછી પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સમરિયાના જંગલોમાં ક્રેશ થઈ ગયું.

મૃતકોની યાદી
પ્લેનમાં નીચે મુજબના લોકો સવાર હતા:
- કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલોટ)
- કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાયલોટ)
- સંજય કુમાર (દર્દી)
- અર્ચના દેવી (પરિવારજન)
- ધૂરુ કુમાર (પરિવારજન)
- વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર)
- સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ)
દર્દીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યો હતો
રાંચીની દેવકમલ હોસ્પિટલના CEO અનંત સિંહાએ PTI ને જણાવ્યું કે, એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા દર્દીએ પોતે કરી હતી. તેમણે કહ્યું, “લાતેહાર જિલ્લાના ચંદવા નિવાસી દર્દી સંજય કુમાર (41) ને 16 ફેબ્રુઆરીએ 65 ટકા દાઝેલી હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.”
સિંહાએ વધુમાં જણાવ્યું કે પરિવારે તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. દર્દીને સાંજે લગભગ 4:30 વાગ્યે હોસ્પિટલથી દિલ્હી માટે રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ સાંજે વિમાન દુર્ઘટનામાં દર્દી સહિત તમામ લોકોના મોત થયા હતા.

DGCAનું નિવેદન: વિમાને રસ્તો બદલવાની મંજૂરી માંગી હતી
DGCA એ જણાવ્યું કે એરક્રાફ્ટ દ્વારા 7:10 વાગ્યે રાંચીથી ઉડાન ભરવામાં આવી હતી. 7:30 વાગ્યે વિમાને ખરાબ હવામાનને કારણે રસ્તો બદલવા (ડાયવર્ઝન) માટે પરવાનગી માંગી હતી. આના થોડા સમય બાદ જ વિમાનનો કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) થી સંપર્ક અને રડાર કનેક્શન તૂટી ગયું હતું અને વિમાન ક્રેશ થઈ ગયું હતું.
