• Sat. Dec 13th, 2025

Gujarat : રાજ્યમાં સમતોલ અને સર્વાંગી વિકાસની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો.

Gujarat : રાજ્યમાં સમતોલ અને સર્વાંગી વિકાસની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના નવરચિત તાલુકાઓમાંથી વધુ 11 તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક કુલ રૂ. 3 કરોડની ગ્રાન્ટ મળશે, જેમાં વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત રૂ. 2 કરોડ તેમજ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના હેઠળ રૂ. 1 કરોડનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના 50%થી વધારે ગામો જુના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

11 તાલુકાઓ વિકાસશીલ તાલુકા જાહેર

તદ્દઅનુસાર, જે નવા 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કદવાલ (જિ. છોટાઉદેપુર), ઉકાઈ (જિ. તાપી), ગોવિંદ ગુરુ લીમડી (જિ. દાહોદ), સુખસર (જિ. દાહોદ), ચીકદા (જિ. નર્મદા), રાહ (જિ. વાવ થરાદ), ધરણીધર (જિ. વાવ થરાદ), ઓગડ (જિ. બનાસકાંઠા), હડાદ (જિ. બનાસકાંઠા), ગોધર (જિ. મહીસાગર), નાનાપોંઢા (જિ. વલસાડ)નો સમાવેશ થાય છે.