Gujarat : ગુજરાત રાજ્યના વિકાસ, સુવિધાઓ અને આવનારા માસોમાં અમલ થનારી મુખ્ય પ્રાથમિકતાઓને નક્કી કરવાના દૃષ્ટિકોણથી આજે બુધવારે યોજાનારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠક વિશેષ મહત્વ ધરાવે છે. સવારે 10 વાગ્યે શરૂ થનારી આ બેઠકમાં એવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, જે સીધા સામાન્ય નાગરિકોના જીવનને અસર કરે છે. જાણકારોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર ખેતી, પાણી વ્યવસ્થા, માર્ગ-મકાનના સુધારા, રમતગમત ક્ષેત્રમાં મોટા કાર્યક્રમોની તૈયારી અને વહીવટી સુધારાઓ જેવા ભારે એજન્ડા સાથે બેઠકમાં ઉતરવા જઈ રહી છે.
ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળ્યા બાદ રાજ્ય માટે ઊભા થતાં નવા અવસર, રવિ સિઝન પહેલાં કેનાલોમાં પાણી છોડવા અંગેની તૈયારીઓ, ખેડૂતોને રાહત પેકેજની ઝડપી ચુકવણી અને ગામડાઓથી શહેરો સુધી રસ્તાઓની હાલત વિશે મળેલા વાસ્તવિક રિપોર્ટને આધારે આવનારા નિર્ણયોએ આજે આખું રાજ્ય મોખરે નજર રાખી રહ્યું છે.

આ બેઠકમાં પ્રભારી મંત્રીઓ દ્વારા સોંપાયેલા જિલ્લાવાર વિકાસ રિપોર્ટ પણ રજૂ થવાના છે, જેનાથી જિલ્લા-દીઠ વિકાસની ગતિ, પડકારો અને આવનારા માસોમાં અમલમાં મૂકવાની કાર્યક્રમોની દિશા નક્કી થશે. સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રીના આવનારા ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ અને સમન્વય બાબતે પણ ચર્ચા થવાની છે. એકંદરે જુઓ તો આજે યોજાનારી કેબિનેટ બેઠક રાજ્યના વિકાસનો આગામી રોડમેપ નક્કી કરતી બેઠક બની શકે છે, જ્યારે બેઠક બાદ સરકાર તરફથી સત્તાવાર જાહેરાતો થવાની શક્યતા છે. સામાન્ય નાગરિકોની સુવિધાઓ વધે, ખેડૂત હિત મજબૂત બને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી સુધારા થાય તે દિશામાં આ બેઠક નિર્ણાયક સાબિત થઈ શકે છે.
