• Mon. Dec 8th, 2025

Gujarat : ચીખલી હુમલા કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી, વધુ 4 ધરપકડ.

Gujarat : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બારોલીયા મંદિર ફળીયા ગામે ગત શનિવારે થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસની ગતિ તેજ થતાં પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેના કારણે કુલ ધરપકડોની સંખ્યા હવે નવ પર પહોંચી છે. નોકરી સંબંધિત અદાવતમાંથી ઉપજેલી આ ઘટનામાં પાંચ લોકોએ ગંભીર ઈજાઓ વેઠી હતી, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર ઈજાગ્રસ્તો હાલ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના બાદથી ગ્રામ્ય વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું, જેને કાબૂમાં લેવા પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાથમિક તબક્કામાં પોલીસએ પાંચ આરોપીઓને પકડી તેમની રિમાન્ડ મેળવેલી હતી, બાદમાં થયેલી વધુ તપાસના આધારે ચાર નવા આરોપીઓ  કિરણ ઉર્ફે કિરણ લાંબો, પરેશ ગુલાબભાઈ પટેલ, બિપીન ઉર્ફે ઉમેશ પટેલ અને યતીન ઉર્ફે બકુલ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ તમામ સામે હત્યાના પ્રયાસ, ગુનાહિત હુમલા અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હુમલામાં વપરાયેલા હથિયારો પણ કબ્જે કરવામાં આવ્યા છે, જે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ થશે.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા નવ પૈકી સાત આરોપીઓને નવસારી સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે બાકીના આરોપીઓને વધુ પૂછપરછ માટે રાખવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને તણાવ ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો છે. નોકરી સંબંધિત વિવાદમાંથી શરૂ થયેલી આ હિંસક અથડામણને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા ગરમાઈ છે, અને સ્થાનિક લોકો આરોપીઓને કડક સજા આપવા માંગ કરી રહ્યા છે.