Gujarat : ગુજરાતમાં મહિલા સુરક્ષા મુદ્દે રાજકીય ઘર્ષણ વધુ તીવ્ર બન્યું છે, કારણ કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાજ્યમાં નશાખોરી, ગેરકાયદે દારૂ અને વધતા ગુનાઓને કારણે મહિલાઓમાં પેદા થયેલી અસુરક્ષાને લઈને ટ્વિટ કર્યા બાદ રાજ્ય સરકારની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા પર મૂકેલા પોતાના પોસ્ટમાં રાહુલે જન આક્રોશ યાત્રા દરમિયાન મહિલાઓ તરફથી પ્રાપ્ત થયેલી ફરિયાદો ઉઠાવી હતી.
જેમાં મહિલાઓએ રાજ્યમાં વધી રહેલા નશા અને ગુનાખોરીને પોતાનું ભવિષ્ય અને સુરક્ષા માટે જોખમી ગણાવ્યા હતા. તેમના આ આક્ષેપો બાદ રાજકીય ગરમાવો સર્જાયો છે અને આ સમગ્ર મુદ્દો હવે ભાજપ–કોંગ્રેસ વચ્ચે સખત વાકયુદ્ધનું સ્વરૂપ લઈ ચૂક્યો છે.
આ વચ્ચે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ રાહુલના ટ્વિટનો કડક પ્રતિભાવ આપતા રાજ્યની છબીનું રક્ષણ કર્યું છે. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4 ટકા કરતા ઘણો ઓછો છે. સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે “2027ની ગુજરાત ચૂંટણી યાદ રાખજો. કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે,” જે નિવેદન બાદ રાજકીય ચર્ચાઓ વધુ ગરમાઈ ગઈ છે. રીવાબાએ રાજ્યની મહિલાઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવાનું કહી સરકારના દાવાઓને દ્રઢ કર્યો છે.
રાહુલના આક્ષેપો અને રીવાબાના પ્રતિકાર વચ્ચે મહિલાઓની સુરક્ષા, યુવાનોનું ભવિષ્ય અને રાજ્યમાં નશાના નેટવર્ક જેવા મુદ્દાઓ ફરી કેન્દ્રમાં આવ્યા છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગણાતું ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોને દ્રગસ અને ગુનાખોરીની દિશામાં ધકેલાતાં હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ છે, જ્યારે સત્તાધારી પક્ષ આ દાવાઓને રાજકીય પ્રચાર ગણાવી રહ્યો છે.
આ વચ્ચે રીવાબા જાડેજા—જેઓ પ્રથમ ટર્મમાં જ મંત્રી બન્યા છે અને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની છે—તેમની ટિપ્પણી રાજકીય ક્ષેત્રમાં વધુ ચર્ચાઓ જન્માવી રહી છે.
