Gujarat : વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પરસ્પર એકતા, ખેલભાવના અને સૌહાર્દ વધારવાના હેતુથી આયોજિત એકતા કપ સિઝન–4 ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે કરવામાં આવ્યો હતો. બે દિવસ સુધી રંગપુર, કાંટસવેલ અને કંડોલપાડા ક્રિકેટ મેદાનોમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ અનેક ટીમોએ સ્પર્ધાત્મક રમતો રમી હતી, જેમાં અંતે બિરસામુંડા કિંગ ઇલેવનએ ઉત્તમ પ્રદર્શન કરીને ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો, જ્યારે ફાઇટર ઇલેવન રનર્સ-અપ રહી હતી.
ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 29 નવેમ્બરે રંગપુર ક્રિકેટ મેદાન ખાતે ગામના સરપંચની ખાસ હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ખેલ પ્રદર્શન ક્ષેત્રે પરેશ પટેલે નોંધપાત્ર રમતમાં બેસ્ટ બેટ્સમેન તથા મેન ઓફ ધ સિરીઝનો ડબલ એવોર્ડ મેળવ્યો, જ્યારે ભાવેશભાઈએ બેસ્ટ બોલર અને હિરેનભાઈ ઉપસળે બેસ્ટ ફિલ્ડર તરીકે પસંદગી મેળવી હતી.

આયોજનમાં વિમલસિંહ, આર.કે., જશવંતસિંહ, હિરેન કાંટસવેલ, સુરેશભાઈ અને વિનોદભાઈ લીમઝર જેવા મુખ્ય શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સમાપન સમયે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરત થોરાટ, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના વિમલસિંહ સોલંકી, સીઆરસી શૈલેષ માહલા સહિત શિક્ષક વર્ગની વિશાળ હાજરી રહી હતી, જેઓએ આ ટુર્નામેન્ટને શિક્ષકો વચ્ચેની એકતા અને ઉત્સાહનું પ્રતિક ગણાવ્યું હતું.
