રાજ્યમાં સમતોલ અને ઝડપી વિકાસને ગતિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે મહત્વનો પગલું ભર્યું છે. રાજ્યના વધુ 11 તાલુકાને ‘વિકાસશીલ તાલુકા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી હવે દરેક તાલુકાને વર્ષનું કુલ રૂ. 3 કરોડનું અનુદાન વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવશે. તેમાં વિકાસશીલ તાલુકા યોજના હેઠળ રૂ. 2 કરોડ અને ATVT યોજના હેઠળ વધારાના રૂ. 1 કરોડનો સમાવેશ થાય છે.
સરકારના મતે, આ અનુદાનથી સ્થાનિક સ્તરે માળખાકીય સુવિધાઓ મજબૂત બનીને ગ્રામ્ય વિસ્તારોમાં જીવનની ગુણવત્તામાં સુધારો થશે.
માનવ વિકાસ સૂચકાંકના 44 પરિમાણોના આધારે પસંદગી
રાજ્યમાં વિકાસના લાભો દરેક સુધી પહોંચે તે હેતુસર વિકાસશીલ તાલુકાની પસંદગી માનવ વિકાસ સૂચકાંક (HDI) સંબંધિત કુલ 44 સામાજિક-આર્થિક પરિમાણોના આધારે કરવામાં આવે છે. આ પરિમાણોમાં આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, રસ્તાઓ, આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ સુવિધાઓ તેમજ જીવનજરૂરી સેવાઓની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
નવા તાલુકા ગઠન બાદ માપદંડ મુજબ પસંદગી
તાજેતરમાં રાજ્યમાં 17 નવા તાલુકાઓનું ગઠન કરવામાં આવ્યું હતું. આ નવી રચનાને અનુરૂપ, સરકારે ફરીથી વિકાસશીલ તાલુકા માટેના માપદંડોનું મૂલ્યાંકન કર્યું. જેમાં એવા તાલુકાઓની પસંદગી કરવામાં આવી છે જ્યાં 50%થી વધુ ગામો અગાઉના વિકાસશીલ તાલુકામાંથી નવા તાલુકામાં જોડાયા છે.
સરકારના જણાવ્યા મુજબ, આ તર્કસંગત પ્રક્રિયા દ્વારા નવી રચના બાદ પણ વિકાસના પ્રવાહમાં કોઈ વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
મુખ્યમંત્રીની પ્રતિક્રિયા: વિકાસયાત્રાને મળશે નવી દિશા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં નવા તાલુકા ગઠન બાદ આ પગલું વિકાસયાત્રાને વધુ મજબૂતી અને દિશા આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવું અનુદાન સ્થાનિક તંત્રોને વિકાસ કાર્યો ઝડપથી અને અસરકારક રીતે અમલમાં મૂકવામાં મદદરૂપ બનશે.
