• Fri. Jan 16th, 2026

Bilimora News : બીગરી ગામમાં દીપડાની અવરજવરથી ફરી એકવાર ચકચાર મચી ગઈ.

Bilimora News : બીગરી ગામમાં દીપડાની અવરજવરથી ફરી એકવાર ચકચાર મચી ગઈ છે. ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો વસવાટ વધતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીલીમોરા–ધોલાઈ કોસ્ટલ હાઈવે પર આવેલી બીગરી ગ્રામપંચાયત પાસે બુધવારે સાંજે એક દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

આશ્ચર્યજનક વાત એ છે કે, માત્ર બે દિવસ અગાઉ જ આ જ વિસ્તારમાંથી એક દીપડો પાંજરે પુરાયો હતો. તેમ છતાં ફરી અન્ય દીપડો દેખાતા વન વિભાગ સતર્ક બની ગયું છે. બુધવારે સાંજે ગ્રામપંચાયત પાસેથી પસાર થતા લોકોએ અચાનક કદાવર દીપડાને નજરે જોયો હતો. દીપડાની હાજરીના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો.

ઘટનાની જાણ થતા તરત જ સરપંચ અને પંચાયતના સભ્યોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. રાઉન્ડ ફોરેસ્ટર સંજયભાઈ પટેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ બાદ દીપડાને પકડવા માટે ગુરુવારે બપોરે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. પંચાયત નજીકના વિસ્તારમાં વન વિભાગ દ્વારા મજબૂત પાંજરું ગોઠવવામાં આવ્યું છે. દીપડાને લલચાવવા માટે પાંજરામાં દેશી તથા વિદેશી મરઘાનું મારણ મૂકવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ગત મંગળવારે બીગરીના દઢોરા ફળિયામાંથી અંદાજે ત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. હવે ફરી દીપડો દેખાતા સ્થાનિક લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ગામમાં ફરીથી મુકાયેલ પાંજરું લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

શા માટે વધી રહી છે દીપડાની અવરજવર?

ગણદેવી તાલુકો અંબિકા, કાવેરી, વેંગણીયા અને પનિહારી જેવી નદીઓથી ઘેરાયેલો છે. આ ઉપરાંત વિસ્તારની વાડીઓ અને જંગલ વિસ્તારો વન્યજીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયા છે. આશરે 180 હેક્ટર જેટલું જંગલ દીપડાઓનું મુખ્ય નિવાસસ્થાન માનવામાં આવે છે.

હાલમાં શેરડી અને ઘાસની કાપણી ચાલી રહી હોવાથી દીપડાઓને છુપાવાની જગ્યાઓ ઓછી થઈ ગઈ છે. પરિણામે તેઓ ખોરાક અને આશ્રયની શોધમાં માનવ વસાહત તરફ વળતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.