Gujarat : ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધતું જણાઈ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે, જ્યાં પારો 1.7 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 10.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે. આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. નલિયા બાદ ડીસામાં પણ ઠંડીમાં મોટો વધારો જોવા મળ્યો છે, જ્યાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ 13.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલાઈ ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવા લાગતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ખાસ કરીને જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વીય દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડી વધુ તીવ્ર બનશે. આ સમયગાળામાં લોકોকে ગરમ કપડાં પહેરવા અને બાળકો, વડીલો તથા બીમાર લોકોને ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.8, ભુજમાં 13.8, દીવમાં 16.4, દ્વારકામાં 18.1, કંડલામાં 15.6, ઓખામાં 20.9, પોરબંદરમાં 15.4, રાજકોટમાં 14.2, સુરતમાં 18.2 અને વેરાવળમાં 18.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યભરમાં ઠંડી ધીમે ધીમે મજબૂત બની રહી છે અને આગામી દિવસોમાં શિયાળાની અસર વધુ તીવ્ર થવાની સંભાવના છે.

હાલ રાજ્યમાં મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારના સમયે કેટલાક વિસ્તારોમાં હળવા ધુમ્મસની અસર પણ જોવા મળી શકે છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણ રીતે સુકું રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, 29થી 31 ડિસેમ્બર દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના પ્રભાવથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
