Gujarat : અમદાવાદના આંગણે સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી પહેલી જાન્યુઆરીની સવારથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની ભેટ સમાન આ ફ્લાવર શોની મજા માણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટિકિટના દરો અને બુકિંગની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારે ટિકિટ મેળવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ટિકિટના દરો અને VIP સ્લોટની વિગતો
મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવાયેલા દરોમાં ઘટાડો કરીને નવા દર નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ, સામાન્ય દિવસો (સોમવારથી શુક્રવાર)માં 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે ટિકિટનો દર રૂ. 80 રહેશે (અગાઉ રૂ. 120નક્કી કરાયો હતો). વીકએન્ડ અને જાહેર રજાઓ (શનિવાર-રવિવાર): ટિકિટનો દર રૂ. 100 રહેશે (અગાઉ રૂ. 150 નક્કી કરાયો હતો). આ સિવાય જો મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર શો બંનેની મજા માણવા માટે કોમ્બો ટિકિટ પણ મેળવી શકશે. સવારે 8:00 થી 9:00 અને રાત્રે 10:00 થી 11:00 દરમિયાન VIP સ્લોટ રાખવામાં આવ્યો છે, જેના માટે રૂ. 500 ફી નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગની પ્રક્રિયા AMC દ્વારા જાહેર કરાયેલા QR કોડને સ્કેન કરીને નાગરિકો સરળતાથી ઘરેબેઠા ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે.

કોને મળશે ફ્રી એન્ટ્રી?
મહત્ત્વનું છે કે, 12 વર્ષથી નીચેના બાળકો અને AMC સંચાલિત શાળાના બાળકોને ફ્રી એન્ટ્રી મળશે. ખાનગી શાળાના બાળકોને સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીમાં 10 રૂપિયાની ટિકિટ પર એન્ટ્રી મળશે. આ સિવાય દિવ્યાંગો અને સૈનિકો માટે પણ ફ્રી એન્ટ્રી રહેશે.
ઓનલાઈન પ્રક્રિયા:
QR કોડ સ્કેન કર્યા બાદ ખુલતા પેજ પર પોતાનું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને, ફ્લાવર શો અથવા કોમ્બો ટિકિટ સિલેક્ટ કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ટિકિટ મળી જશે, જે બતાવીને પ્રવેશ મેળવી શકાશે.
નોંધનીય છે કે, ઓનલાઈન ટિકિટ નોન-રિફંડેબલ રહેશે અને એકવાર બુક થયા બાદ કેન્સલ કરી શકાશે નહીં. જો પેમેન્ટ કપાયા બાદ ટિકિટ ન મળે, તો પોર્ટલ પર ‘ડાઉનલોડ ટિકિટ’ મેનુમાં જઈ મોબાઈલ નંબર નાખીને ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

ઓફલાઈન વ્યવસ્થા
જેમને ફિઝિકલ ટિકિટ જોઈતી હોય તેમના માટે સાબરમતી રિવરફ્રન્ટની સામેના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં ખાસ ટિકિટ બારીઓ બનાવવામાં આવી છે, જ્યાંથી ઓફલાઈન ટિકિટ મેળવી શકાશે.
