• Mon. Dec 15th, 2025

Gujarat : વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ.

Gujarat : વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું માળખું (સ્કેફોલ્ડિંગ) અચાનક તૂટી પડતાં પાંચ જેટલા શ્રમિકો તેની નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા.

બે પિલર વચ્ચે તૂટી પડ્યું સ્ટ્રક્ચર

મળતી માહિતી મુજબ, કૈલાશ રોડ ઉપર બની રહેલા બ્રિજના બે પિલર વચ્ચેના ભાગે માળખું ઊભું કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આ માળખું તૂટી પડ્યું હતું, જેના કારણે પાંચેક જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે તત્કાળ બચાવ કામગીરી હાથ ધરીને પાંચેય શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના માળખના બાંધવામાં આવેલી નબળી ગુણવત્તા કે કામમાં બેદરકારીના કારણે સર્જાઈ છે કે કેમ, તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.