Gujarat : ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનની નવી રચના બાદ નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ એ પ્રથમવાર નવસારી જિલ્લાની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો સાથે પરિચય અને માર્ગદર્શન બેઠક યોજી, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, તેની પહોંચ વિસ્તારવા તથા કાર્યકર્તાઓની ભૂમિકા અંગે વિશદ ચર્ચા કરવામાં આવી.
બેઠક દરમિયાન મંડળ પ્રમુખો તેમજ જિલ્લાની ટીમ સાથે આગામી સમયમાં સંયુક્ત રીતે કેવી રીતે કાર્ય કરવું, સંગઠનાત્મક ગતિવિધિઓને વધુ સક્રિય બનાવવી અને જનસંપર્ક વધારવા માટે કઈ દિશામાં આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી સંગઠનના આધારસ્તંભને મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા તેમને દક્ષિણ ઝોનના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે અને દક્ષિણ ઝોનની તેમની આ પ્રથમ મુલાકાત છે, જેની શરૂઆત નવસારી થી થઈ છે. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે ઝોનના પ્રભારી જનકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરાટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીલક્ષી પક્ષ નથી, પરંતુ તેના કાર્યકર્તાઓ વર્ષભર લોકોની વચ્ચે રહીને સમાજસેવા અને જનહિતના કાર્યો કરે છે. તેમણે ઉમેર્યું કે આગામી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ ભાજપ માટે ઉત્સવ સમાન છે અને સંગઠન આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમ ગુજરાતની જનતાએ અત્યાર સુધી ભાજપને ભરપૂર પ્રેમ અને સમર્થન આપ્યું છે, તે જ રીતે નવસારી જિલ્લાની જનતા પણ આવનારી ચૂંટણીઓમાં પક્ષને સંપૂર્ણ સમર્થન આપશે.
