• Fri. Jan 16th, 2026

Gujarat : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી ડ્રગ્સ કાર્યવાહી.

Gujarat : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર કરોડોની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાતા સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી ગઈ છે. કસ્ટમ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા બેંગકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી એક મહિલા મુસાફરને અટકાવી તેની પાસેથી આશરે 3.11 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવી છે. આ ઘટનાથી સુરત એરપોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે નવો કોરિડોર બની રહ્યો હોય તેવું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત કસ્ટમ વિભાગ અને AIUના અધિકારીઓ મુસાફરોની હિલચાલ અને પ્રોફાઇલિંગના આધારે એલર્ટ પર હતા. તે દરમિયાન બેંગકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-263માં એક મહિલા મુસાફરની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ તેના સામાનની સઘન તપાસ કરતાં તેમાં 7 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. ફોરેન્સિક પરીક્ષણ બાદ આ પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું પુષ્ટિ કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલા જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 6 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો અંદાજે 17 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો ઝડપાયો હતો, જેમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ જેવા મોટા એરપોર્ટ પર કડક ચેકિંગ વધતા ડ્રગ પેડલરો હવે સુરત એરપોર્ટનો ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સતત બે મોટા ડ્રગ્સ કાંડ સામે આવતા સુરત એરપોર્ટ પર ચેકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.

કસ્ટમ વિભાગે મહિલા પાસેથી કુલ 3,114.15 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. NDPS એક્ટ, 1985ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ નશીલો જથ્થો કોના માટે લાવવામાં આવ્યો હતો, ક્યાં સપ્લાય કરવાનો હતો અને તેના પાછળ કયું નેટવર્ક કાર્યરત છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.