• Fri. Jan 16th, 2026

Gujarat : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી.

Gujarat : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી શાકમાર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં MD ડ્રગ્સ (મેફેડ્રોન)નું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. રાંદેર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી શાકભાજીના વેપારીને 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે ડ્રગ્સ પુરવઠો આપનારા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

શાકભાજીની આડમાં ચાલતો નશાનો કાળો કારોબાર

રાંદેર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે તાડવાડી શાકમાર્કેટ નજીક એક શખ્સ નશાકારક પદાર્થ સાથે હાજર છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. દરમિયાન નઝીલ રસીદ સૈયદ (ઉ.વ. 30) નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો. તપાસમાં ખુલ્યું કે આરોપી વ્યવસાયે શાકભાજીનો વેપારી છે, પરંતુ ભીડભાડવાળા શાકમાર્કેટનો લાભ લઈને નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 17.70 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 53,100 થાય છે. ઉપરાંત આરોપી પાસેથી રોકડા રૂ. 3,880 પણ જપ્ત કરવામાં આવ્યા છે.

બે આરોપી વોન્ટેડ, અગાઉ પણ NDPS ગુનામાં સંડોવણી

ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ડ્રગ્સનો જથ્થો ઉઝેફ શેખ અને શોયેબ નામના બે શખ્સો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી નઝીલ સૈયદ અગાઉ પણ DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો રહ્યો છે, જેના કારણે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.