Gujarat : ગુજરાત યુનિવર્સિટીમાં આજે ‘ભારત કુલ’ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ભાવ–રંગ–તાળ મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. 12 થી 14 ડિસેમ્બર દરમિયાન સેનેટ હોલ ખાતે યોજાનારો આ ફેસ્ટિવલ સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને કલાના વિવિધ રંગોથી ભરપૂર રહેશે.
ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ BAPS સ્વામીનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ ‘ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનીઅસ’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. ફેસ્ટિવલને ભાવ, રંગ અને તાલ જેવા ત્રણ અધ્યાયોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દરેક વિભાગમાં વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે.
‘ભાવ’ વિભાગમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને કેન્દ્રમાં રાખીને માર્ગદર્શક વ્યાખ્યાનો યોજાશે. વિવિધ ક્ષેત્રોના વક્તાઓ દ્વારા ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને આધુનિક સમાજ વચ્ચેના સંબંધોને ઉજાગર કરતી ચર્ચાઓ થશે. બીજી તરફ ‘તાલ’ વિભાગ કલા, ચિત્રકલા અને શિલ્પ આધારીત લાઇવ ડેમોસ્ટ્રેશન માટે સમર્પિત છે, જેમાં જાણીતા એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ IPS અજય ચૌધરી, પ્રસિદ્ધ શિલ્પકારો, કાર્ટૂનિસ્ટ અને આર્ટ ડિઝાઇનર્સ પોતાની કળા રજૂ કરશે.

ફેસ્ટિવલનો ત્રીજો અધ્યાય ‘રાગ’ કાવ્ય અને સંગીત માટે સમર્પિત છે. કવિ સંમેલનમાં ગુજરાતના અગ્રણી કવિઓ રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, મધુસૂદન પટેલ, ભાવિન ગોપાણી અને તેજસ દવે કાવ્યપાઠ કરશે. સાથે લોકસંગીતના ખમીર એવા ઓસમાણ મીર અને આમિર મીર તેમની સંગીતમય રજૂઆતો સાથે ફેસ્ટિવલને વધુ જીવંત બનાવશે.
ઉદ્ઘાટન પહેલા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે આરંભિક દિવસથી જ જાણીતા ચિત્રકારોની પેઇન્ટિંગ્સનું પ્રદર્શન સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. ‘ભારત કુલ’ના અધ્યાય–2 દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિ, કલા અને સર્જનાત્મકતા સાથે ઊંડો જોડાવાનો અવસર મળી રહ્યો છે.
