Navsari News : ગણદેવી તાલુકોના દેવધા ગામમાં રહેતા આદિવાસી સમાજ દ્વારા આગામી વર્ષ 2025–26ની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચપદ માટે ‘આદિવાસી પુરુષ’ બેઠક ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર તથા રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દેવધા ગામના આદિવાસી સમાજના આગેવાન મેહુલભાઈ દીપકભાઈ હળપતિની આગેવાની હેઠળ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, દેવધા ગામમાં આદિવાસી સમાજની વસ્તી આશરે 55 ટકા જેટલી હોવા છતાં છેલ્લા લાંબા સમયથી બિન-આદિવાસી સરપંચોના શાસનના કારણે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ અવરોધિત રહ્યો છે.
આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામના વિકાસ કાર્યોમાં ખુલ્લેઆમ પક્ષપાત રાખવામાં આવે છે, જેના કારણે આદિવાસી વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો લાભ 10 ટકા જેટલો પણ પહોંચતો નથી. જાતિવાદી વલણ અને જાગૃતિના અભાવે આદિવાસી સમાજ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
સમાજના આગેવાનો દ્વારા વહીવટી તંત્ર પાસેથી આ મુદ્દે યોગ્ય ન્યાય અને લેખિત પ્રતિઉત્તરની માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં આદિવાસી સમાજને ન્યાય નહીં મળે અને સરપંચપદ માટે આદિવાસી વ્યક્તિની જોગવાઈ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ‘રૂઢિ ગ્રામસભા’ (પરંપરાગત શાસન વ્યવસ્થા) તરફ વળવાની વિચારણા કરશે.
આ રજૂઆત બાદ સમગ્ર પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે વહીવટી તંત્રના પ્રતિસાદ તરફ સૌની નજર મંડાઈ છે.
