Gujarat : ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર જોરદાર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ ભાગોમાં ભરશિયાળે કમોસમી વરસાદ (માવઠું) વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. આજે (ગુરૂવાર) વહેલી સવારે નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદે હાજરી આપી હતી. જ્યારે પાટણ પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી છે. જ્યારે ચીકુ અને આંબાના મોર (ફૂલ) ખરી જવાની શક્યતાથી આંબાના પાકને પણ ફટકો પડી શકે છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ
બુધવારે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. બુધવારે રાજકોટ, પડધરી, ધોરાજી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કચ્છના નખત્રાણાના ધોરો ગામ અને ભુજ પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો.
ખેતી-પાકો પર જોખમ
કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ કમોસમી વરસાદ રવિ પાક માટે ‘ઝેર’ સમાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને જીરું અને ધાણાના પાકો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમાં રોગચાળો વધવાની શક્યતા છે. આ ઉપરાંત વરસાદની સાથે ફૂંકાયેલા પવનને કારણે ચણા અને ઘઉંનો ઊભો પાક આડો પડી જવાથી નુકસાનની ભીતિ છે. ભરશિયાળે આ રીતે વરસાદ પડવાથી તૈયાર થવા આવેલા પાકમાં ફૂગ આવવાની કે પાક કાળો પડી જવાની ચિંતા છે.

કયા વિસ્તારોમાં કમોસમી વરસાદનું કમઠાણ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં પલટાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
