Tuesday , 24 February 2026
Home ભારત લખનઉ હત્યાકાંડ: ત્રીજા માળે પિતાની હત્યા, પુત્ર લાશને ઘસડીને નીચે લાવ્યો અને કરવતથી ટુકડા કર્યા
ભારત

લખનઉ હત્યાકાંડ: ત્રીજા માળે પિતાની હત્યા, પુત્ર લાશને ઘસડીને નીચે લાવ્યો અને કરવતથી ટુકડા કર્યા

લખનઉના આશિયાનામાં અક્ષતે NEET પરીક્ષાના દબાણ અને વિવાદને કારણે પિતા માનવેન્દ્રની રાઈફલથી હત્યા કરી દીધી. તેણે મૃતદેહના ટુકડા કરી હાથ-પગ બહાર ફેંકી દીધા, જ્યારે ધડ (શરીરનો વચ્ચેનો ભાગ) વાદળી રંગના ડ્રમમાં છુપાવ્યું હતું. આરોપીએ નાની બહેનને ડરાવીને કેદ કરી રાખી હતી અને પોતે જ પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

લખનઉના આશિયાના સેક્ટર-Lમાં રહેતા દારૂના વેપારી અને પેથોલોજી સંચાલક માનવેન્દ્ર સિંહ (49)ની તેમના જ પુત્ર અક્ષત પ્રતાપ સિંહ (21)એ ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ મૃતદેહના ટુકડા કરી બંને હાથ અને પગ પારાના સદ્રૌના વિસ્તારમાં ફેંકી દીધા. માથા સહિતનું ધડ ઘરની અંદરથી ડ્રમમાંથી મળી આવ્યું છે. પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યા અને પુરાવા છુપાવવાની કલમો હેઠળ એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરી છે.


પરિવાર આઘાતમાં

પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ હજુ પણ આ ઘટનાથી આઘાતમાં છે. કોઈને અંદાજ નહોતો કે અક્ષત આવી ઘટનાને અંજામ આપશે. કેટલાક લોકોએ એવું પણ જણાવ્યું કે જેટલા દિવસ લાશ ઘરમાં હતી, ત્યાં સુધી દીકરી પણ ઘરમાં જ હતી. માનવેન્દ્રના સગા ભાઈ ભક્તિ વર્ધન સિંહ, જે તેમની સાથે વ્યવસાય પણ કરે છે, તેમની તાજેતરમાં જ ભાઈ સાથે મુલાકાત થઈ હતી અને બીજી સવારે મળવાનું નક્કી થયું હતું. પરંતુ એ સવાર ક્યારેય ન આવી, જેના કારણે આજે તેમના ભાઈની આંખોમાં આંસુ છે.

NEETની થિયરી પર શંકા

ડીસીપી સેન્ટ્રલ વિક્રાંત વીરના જણાવ્યા મુજબ, 21 ફેબ્રુઆરીએ આશિયાના પોલીસ સ્ટેશનમાં માનવેન્દ્ર સિંહ ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસે સચિવાલય સુરક્ષામાં તૈનાત માનવેન્દ્રના ભાઈ અરવિંદ કુમાર પાસેથી માહિતી લીધી. ત્યારબાદ અક્ષતની પૂછપરછ કરી તો ખબર પડી કે માનવેન્દ્ર પુત્ર પર NEET પરીક્ષાની તૈયારી માટે દબાણ કરી રહ્યા હતા. જોકે, પરિવાર NEET વાળી વાત સાથે સહમત નથી અને કોઈ અન્ય કારણ હોવાનું માની રહ્યો છે.

20 ફેબ્રુઆરીની રાત્રે કોઈ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને અક્ષતે પિતાને લાયસન્સવાળી રાઈફલથી ગોળી મારી દીધી. માનવેન્દ્રનું સ્થળ પર જ મોત નીપજ્યું. ઘટના સમયે અક્ષતની નાની બહેન કૃતિ તેના રૂમમાં સુતી હતી. અવાજ સાંભળીને તે રૂમમાં પહોંચી તો પિતાનો મૃતદેહ પડ્યો હતો. માનવેન્દ્રના પિતા સુરેન્દ્ર પાલ સિંહ નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટર છે અને જાલૌનમાં રહે છે. ઘટનાની જાણ થતા તેઓ આશિયાના પહોંચ્યા હતા.

હાથ-પગ ફેંકી દીધા, ધડ ડ્રમમાંથી મળ્યું

આ ઘટના મકાનના ત્રીજા માળે બની હતી. પૂછપરછમાં આરોપીએ પોલીસને જણાવ્યું કે હત્યા બાદ તે લાશને ઘસડીને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવ્યો હતો. અહીં ખાલી રૂમમાં લાશ રાખી દીધી અને ત્યારબાદ તેને ઠેકાણે પાડવાનો પ્લાન બનાવ્યો. પહેલા કારમાં લઈ જઈને ગોમતી નદીમાં ફેંકવાની યોજના હતી, પણ લાશનું વજન વધુ હોવાથી તે એકલો કરી શક્યો નહીં. ત્યારબાદ તે કરવત ખરીદી લાવ્યો અને પિતાના મૃતદેહના ટુકડા કરી દીધા. ધડ ઠેકાણે ન પાડી શકવાને કારણે તે વાદળી ડ્રમ ખરીદી લાવ્યો અને તેમાં ભરી દીધું. અક્ષત ધડને ઠેકાણે પાડે તે પહેલા જ તેની કરતૂત ખુલ્લી પડી ગઈ.

નાની બહેન દહેશતમાં

જ્યારે અક્ષતે પિતાની હત્યા કરી ત્યારે નાની બહેન દોડીને રૂમમાં આવી હતી, પરંતુ અક્ષતે તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચૂપ કરી દીધી હતી. તેને ચાર દિવસ સુધી ઘરમાં પૂરી રાખી હતી. કૃતિ ખૂબ જ ડરેલી છે અને હજુ પણ કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી. અક્ષતે પોલીસને જણાવ્યું કે પિતા તેને NEET પાસ કરવા માટે દબાણ કરતા હતા અને ઝઘડા દરમિયાન પિતાએ રાઈફલ તાણી હતી, જે આંચકી લેવાના પ્રયાસમાં ગોળી ચાલી ગઈ હતી. જોકે, લાશના ટુકડા કરવાના સવાલ પર તેણે મૌન સેવી લીધું હતું.

Related Articles

ભારત

Video : ધાબા પર બોમ્બ બનાવી રહ્યો હતો હિસ્ટ્રીશીટર ગુનેગાર, બ્લાસ્ટમાં દાઝી જવાથી મોત, માતાનું પણ નિધન

ઓડિશાના ભુવનેશ્વરમાં એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. એરફિલ્ડ વિસ્તારમાં રહેતો...

ભારત

અમદાવાદ Air India દુર્ઘટના જાણી જોઈને કરાઈ, પાયલટે બંધ કરી ફ્યૂલ સ્વિચ ? આ અખબારે પોતાના રિપોર્ટમાં કર્યો દાવો

અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટના પર ઈટલીના એક અખબારે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો...